Gujarat

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં

By GS TEAM
9 Mar 20262 mins read
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે  SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં

અમદાવાદ,સોમવાર,9 માર્ચ,2026

એકસમયે દર્દીઓને સારવાર માટે આશિર્વાદરુપ બનેલી વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી.વર્ષ-૨૦૧૯માં ૭૫૦ કરોડના ખર્ચે બનાવાયેલી એસ.વી.પી.હોસ્પિટલને સત્તાધારીપક્ષ ખુબ મહત્વ આપી રહયો હતો.આ હોસ્પિટલના આઈસીયુમાં ચાર વર્ષમાં દાખલ થયેલા ૧૯૭૯૦ દર્દી પૈકી કુલ ૪૬૦૪ દર્દીઓના મોત થયા છે.હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થતા દર્દીઓના મોતનુ પ્રમાણ વધુ હોવાનુ ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ હતુ.સાપે છછૂંદર ગળ્યા જેવી પરિસ્થિતિમાં હાલમાં આ હોસ્પિટલ જુનિયર તબીબોના જ ભરોસે ચલાવાતી હોવાનો આક્ષેપ ક્ષિતીશા સોની નામના યુવતીએ તેમના માતાની  હોસ્પિટલમાં ચાલેલી સારવાર સમયે કર્યો હતો.

૧૭ માળની એસ.વી.પી.હોસ્પિટલ શરૃ કરવામા આવી એ સમયથી એક અથવા બીજા વિવાદમાં સપડાતી રહી છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમા ફરજ બજાવતા અધિકારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના કોર્પોરેટરોએ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થતા દર્દીઓની ચિંતા કરવાના બદલે માત્ર તેમનો અંગત સ્વાર્થ જ જોયો છે. કરોડોના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં  કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પછી નિવૃત્ત પેન્શનરો અથવા તો ભાજપ કે કોંગ્રેસના હવે પૂર્વ બની ગયેલા તમામ કોર્પોરેટરોને આજીવન કેશલેસ સારવાર એસ.વી.પી.હોસ્પિટલમાં મળી રહે એ પ્રકારની તાકીદની દરખાસ્ત પણ તમામે  મિલીભગત કરી મંજૂર કરી દીધી એનાથી મોટી કમનસીબી આ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે બીજી કઈ હોઈ શકે.એસ.વી.પી.ના આઈ.સી.યુ.માં સારવાર માટે દાખલ થતા દર્દીઓનો મૃત્યુદર એક અંદાજ મુજબ ૬.૫ ટકા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જે તંત્ર અને શાસકો માટે લપડાક સમાન કહી શકાય.

હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ દર્દી અને મોત

વર્ષ    દાખલ દર્દી     મોત

૨૦૨૧ ૩૫૫૦         ૧૧૪૩

૨૦૨૨ ૪૭૫૪         ૮૦૦

૨૦૨૩ ૬૪૭૯         ૧૧૪૪

૨૦૨૪ ૫૦૦૭       ૧૫૧૭

હોસ્પિટલમાં કુલ દાખલ દર્દી અને મરણ

વર્ષ    દાખલ દર્દી     મોત

૨૦૧૯  ૧૪૧૯૫       ૮૮૯

૨૦૨૦ ૧૮૭૬૪        ૧૨૫૫

૨૦૨૧ ૧૧૪૫૧        ૧૧૪૩

૨૦૨૨ ૧૨૪૭૮        ૮૦૦

૨૦૨૩ ૨૧૯૮૧        ૧૧૫૩

૨૦૨૪ ૨૦૭૫૫        ૧૫૨૬

૨૦૨૫ ૩૧૩૩૩        ૧૭૫૪

કુલ     ૧,૩૯,૯૫૭     ૮૪૯૧