ચરોતરની 525 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે મતદાન
- ચૂંટણીની ૨૫મીએ મતગણતરી થશે : સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ બેલેટ પેપર અપાશે
- આણંદ જિલ્લામાં 252 ગ્રામ પંચાયત માટે મતદાન : 4.78 લાખ મતદારો 427 સરપંચ અને 1249 સભ્યોના ભાવિ નક્કી કરશે, મતદાન માટે સામગ્રીનું વિતરણ, 1200 બોટલ અવિલોપ્ય શાહીનો ઉપયોગ થશે
આણંદ જિલ્લાની આઠ તાલુકામાં આવતીકાલ રવિવારે સવારે ૭થી મતદાન શરૂ થશે. જિલ્લામાં ૨.૪૩ લાખ પુરૂષ અને ૨.૩૪ લાખ સ્ત્રી મતદારો નોંધાયા છે. મતદાન માટે જિલ્લામાં ૩૦૧ બિલ્ડિંગમાં ૫૩૦ મતદાન મથકો બનાવાવમાં આવ્યા છે. ૭ બુથ અતિ સંવેદનશીલ અને ૧૬૯ સંવેદનશીલ છે. આ માટે વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી કામગીરીમાં ૩૨૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપાઇ છે. જેમાં ૩૩૪ પોલીસ સ્ટાફ અને ચાર એચઆરપીની ટુકડીઓ અને ૬૫૦ હોમગાર્ડના જવાનોને મતદાન મથકો પર તૈનાત કરાયા છે.આ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે. સરપંચ પદ માટે ગુલાબી અને સભ્ય પદ માટે સફેદ બેલેટ પેપર અપાશે. જેમાં ૧૨૦૦ બોટલ અવિલોપ્ય શાહી વપરાશે. જિલ્લામાં ૨.૪૩ લાખ પુરૂષ અને ૨.૩૪ લાખ સ્ત્રી મતદારો નોંધાયા છે.
ખેડા જિલ્લાની ૨૭૩ ગ્રામ પંચાયતો પૈકી માતર, ઠાસરા અને ખેડા તાલુકાની ૪ જેટલી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જિલ્લાની કુલ ૨૭૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૩૩૬ સરપંચ પદના ઉમેદવાર અને ૫૫૮ સભ્યો રેસમાં છે અને આવતીકાલે ૪.૬૧ લાખથી વધારે મતદારો આ તમામનો ફેંસલો મતદાનથી કરશે. જિલ્લાના ૧૦ તાલુકાની ૯૧ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ ૧૮૨ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે. આ તમામ બેઠક પર ફોર્મ ભરાયાથી માંડીને હરીફમા રહેલા ઉમેદવારો સુધીની ગતિવિધીઓ પર નજર નાખીએ તો, ૯૧ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૪૭૭ સરપંચ પદના ઉમેદવારોએ ૪૭૯ ફોર્મ ભર્યા હતા. જ્યારે ૧૨૧૩ સભ્ય પદના ઉમેદવારોએ ૧૨૧૪ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ચકાસણી દરમિયાન સરપંચના ૩ અમાન્ય અને સભ્યોના ૫૭ અમાન્ય ઠર્યા હતા. સરપંચ પદે ૪૭૬ અને સભ્ય પદે ૧૧૫૭ માન્ય રહ્યા હતા. આ પૈકી ૧૫૨ સરપંચોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે ૯૬ સભ્યોએ પણ ફોર્મ પરત ખેંચી લીધા હતા. ૩૨૪ સરપંચ પદ માટે અને ૧૦૬૧ સભ્ય પદ માટે મેદાનમાં રહ્યા હતા. જેમાંથી ૭ સરપંચની બેઠકો બિનહરીફ આવી હતી. જ્યારે ૫૨૩ સભ્યો બિનહરીફ આવ્યા હતા. સરપંચ પદના ૩૧૭ અને સભ્યોમાં ૫૩૮ સામાન્ય ચૂંટણીમાં મેદાનમાં છે. ૨૩ સરપંચ પદ માટે અને ૫૬ સભ્ય પદ માટે મેદાનમાં રહ્યા હતા. જેમાંથી ૪ સરપંચની બેઠકો બિનહરીફ આવી હતી. જ્યારે ૩૬ સભ્યો બિનહરીફ આવ્યા હતા. આમ સરપંચ પદના ૧૯ અને સભ્યોમાં ૨૦ સામાન્ય ચૂંટણીમાં મેદાનમાં છે.
આણંદ જિલ્લામાં ચૂંટણીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરાથી નજર રખાશે
આણંદ : આણંદ જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં સૌપ્રથમ વખતે ચૂંટણીમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે અને તેના થકી સુપર વિઝન કરાશે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌ પ્રથમ વાર ડ્રોન કેમેરા થી બાજ નજર રાખવામાં આવશે તાલુકા દીઠ બે બે મળી કુલ ૧૫ ડ્રોન કેમેરાથી વિવિધ મતદાન મથકોનું સુપરવિઝન કરવામાં આવશે ખાસ કરીને સંવેદનશીલ ગામોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત સાથે ડ્રોન કેમેરાથી સુપરવિઝન કરાશે. રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજનાર હોય આજે શનિવારથી જ પોલીસ કર્મીઓ તેઓને ફાળવવામાં આવેલ મતદાન મથકોએ પહોંચી ગયા હતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે પ્રયત્નશીલ બન્યા હતા.
જીતેલા સરપંચો અમારા પક્ષના તેવા રાજકીય પક્ષો દ્વારા દાવાઓ થશે
આણંદ : આણંદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષો સીધી રીતે ભાગ લેતા નથી. પરંતુ ચૂંટણી દરમિયાન કોઇ રાજકીય પક્ષો અમારા ઉમેદવારો છે તેવું કહેતા નથી. પરિણા આવે છે ત્યારે રાજકીય પક્ષો જીતેલા સરપંચના ઉમેદવારો અમારા કાર્યકરો છે અથવા તો અમરા પક્ષની વિચારસરણી ધરાવે છે. એવુ કહીને જશ ખાટતા હોય છે અને જીતેલા સરપંચનો સન્માન સમારંભોનું આયોજન કરાતું હોય છે. સરપંચની ચૂંટણીમાં અંદરખાને રાજકીય પક્ષોની દોરીસંચાર જોવા મળે છે.