Gujarat

૩૩ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી ધનિયાવી ગામમાં બેલેટ પેપરમાં ભૂલથી ૧ કલાક મતદાન રોકાયું

By GS TEAM
22 Jun 20251 min read
૩૩ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી  ધનિયાવી ગામમાં બેલેટ પેપરમાં ભૂલથી ૧ કલાક મતદાન રોકાયું

વડોદરા, તા.22 વડોદરા નજીક આવેલા ધનિયાવી ગામમાં ૩૩ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં સરપંચપદના એક ઉમેદવારના નામની ખોટી અટક બેેલેટ પેપરમાં પ્રિન્ટ થતાં હોબાળો થતા એક કલાક સુધી મતદાન બંધ રાખવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે ધનિયાવીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. આજે સવારના સાત વાગ્યાથી મતદાન શરૃ થયાના દોઢ કલાક બાદ ખબર પડી હતી કે એક ઉમેદવાર જૈનબ હુસેન પટેલની અટક બુથ નંબર ૧ અને ૨માં અપાતા બેલેટ પેપરમાં ખોટી છે. પટેલના બદલે પરમાર અટક પ્રિન્ટ થયેલી છે. આ મુદ્દે ઉમેદવાર તેમજ ટેકેદારોએ હોબાળો મચાવતા તંત્ર દોડતું થઇ ગયું હતું.

જ્યારે જાણ થઇ ત્યારે એક બુથ પર ૭૨ અને બીજા બુથ પર ૬૯ મતો પડી ચૂક્યા હતાં. તંત્રએ પોતાની ભૂલ સ્વિકારી હતી અને મતદાન અટકાવી તાત્કાલિક સુધારેલા નવા બેલેટ પેપર છપાવવાની ફરજ પડી હતી. એક કલાક બાદ સુધારેલા નવા બેલેટ પેપર આવ્યા બાદ મતદાન ફરીથી શરૃ થયું  હતું.