ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન : રાજકારણ પરાકાષ્ઠાએ

૧૯૬ માટે જાહેરનામું બહાર પાડયા બાદ હવે ૮૯માં જ ચૂંટણી
સરપંચના ઉમેદવારોએ નાણાની કોથળીઓ ખુલ્લી મુકીઃઘરદીઠ પાંચ હજારથી લઇને તેલના ડબ્બા અને ગોળના રવાનું વિતરણ
ગાંધીનગર જિલ્લામાં અગાઉ સામાન્ય અને પેટા ચૂંટણી મળીને
સરપંચ તથા વોર્ડ બેઠકો મળી કુલ ૧૯૬ ગ્રામપંચાયતોમાં ચૂંટણી માટેનું તંત્ર દ્વારા જાહેરનામું
પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ ૨૨ જેટલા ગ્રામપંચાયતો સંપુર્ણ સમરસ થઇ જવાને
કારણે તથા વોર્ડની બેઠકો પૈકી ઘણી બધી બેઠકોમાં ઉમેદવારી થઇ નથી અથવા એક જ
ઉમેદવારી થઇ છે જેના પગલે ત્યાં ચૂંટણી જંગ થઇ શકે તેન થી. ત્યારે હવે ૮૫ સામાન્ય
ગ્રામપંચાયત તથા પેટામાં પાંચ સરપંચની બેઠકો મળીને કુલ ૮૯ ગ્રામપંચાયતોમાં ચૂંટણી
યોજાઇ રહી છે. આ ગ્રામપંચાયતોમાં વિજય બનવા માટે સરપંચથી લઇને વોર્ડના સભ્યોએ
પ્રચાર ઝુંબેશ અગાઉ ચલાવી હતી. ગામોમાં ઘરે ઘરે જઇને પ્રચાર કરવાથી લઇને સોશ્યલ
મિડીયામાં પણ વિજય માટે પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું હવે જ્યારે પ્રચાર
પડઘમ શાંત પડી ગયા છે ત્યારે ઉમેદવારો દ્વારા ખરા અર્થનું રાજકારણ શરૃ કરવામાં
આવ્યું છે. રાજકારણની ભાષામાં કહીએ તો ઓપરેશનો માટે છેલ્લા બે દિવસની રાત્રી બેઠકો
ખુબ જ મહત્વની હોય છે અને આ રાત્રી બેઠકો દ્વારા થતા ઓપરેશન દ્વારા જ હાર-જીતના
સમિકરણો બદલાઇ જતા હોય છે. ત્યાર દરેક ઉમેદવાર વિજય બનવા માટે હલા એડીચોટીનું જોર
લગાવી રહ્યા છે.
સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને વિજય થવા માટેના પ્રયત્નો ઉમેદવારો
કરી રહ્યા છે જેમાં નાણાકિય બાબતો પણ ખુબ જ અસર કરે છે. સરપંચ થવું એ આર્થિક ઉપરાંત
મોભાની રીતે પણ ખુબ પ્રતિષ્ઠીત ગણવામાં આવે છે. તેથી સરપંચ થવા માટે ઉમેદવારોએ નાણાંની
કોથળીએ ખુલ્લી મુકી દીધી છે. સધ્ધર ગામ હોય ત્યાં તો ઉમેદવારોએ ઘર દિઠ પાંચ હજાર રૃપિયા
આપી દિધા છે તો ક્યાંક વોટ તેમના તરફ નાંખવા માટે રૃપિયાની ઓફર પણ ઘરના વડિલોને કરવામાં
આવી છે. દારૃ તથા ચવાણાનું વિતરણ ન થયા તો કોઇ પણ ચૂંટણી પુરી થઇ ન કહેવાય તેમ હાલ
આ ગ્રામપંચાયતની ચૂંટણીમાં પણ દારૃની રેલમછેલ જોવા મળી રહી છે તો ચવાણાનું પણ છુટાહાથે
વિતરણ થઇ રહ્યું છે.એટલુ જ નહીં,
ઘણા ઉમેદવારોએ તો જે તે વાસ કે ફળીયામાં તેલના કેરબા અને ડબ્બા આપ્યા છે આ ઉપરાંત
ગોળના રવાનું વિતરણ પણ ઘણા ગામોમાં ઉમેદવારોએ કર્યું છે. કોઇ પણ ભોગે ઉમેદવારો સરપંચના
આ પ્રતિષ્ઠાનો જંગ જીતવા માંગે છે તેના માટે આજની એટલે કે, શનિવારની રાતને કતલની
રાત પણ ગણવામાં આવે છે.








