ગુજરાતમાં 8326 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું, 25મી જૂને આવશે પરિણામ
Gram Panchayat Elections In Gujarat: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં આજે (22મી જૂન) સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.
Gujarat Gram Panchayat Election :
શહેરાના સરાડીયામાં એક જ મતદાન મથકથી મતદારો પરેશાન
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની સરાડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેનું મુખ્ય કારણ માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવ્યું હોવું હતું. મતદાન પૂર્ણ થવાને માત્ર એક કલાક બાકી હોવા છતાં, મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે મતદાનનો નિર્ધારિત સમય પૂરો થયા બાદ પણ એક કલાકથી વધુ સમય સુધી મતદાન ચાલુ રહે તેવી આશંકા જોવા મળી. નોંધનીય છે કે, અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અહીં બે મતદાન મથકો હતાં. આ વખતે ચૂંટણી અધિકારીને બે મતદાન મથક ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં, માત્ર એક જ મતદાન મથક ફાળવવામાં આવતાં મતદારોમાં ભારે રોષ અને હાલાકી જોવા મળી હતી.
ડાંગના ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બાપ-દીકરો સામસામે
ડાંગ જિલ્લાની ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે બાપ-દીકરો સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. એકબીજાને હરાવવા માટે બંને જણાએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.
ચૂંટણી સમયે કેટલાક સ્થળે થઈ બબાલ
• કચ્છના રાપરના ચિત્રોડ ગામે મતદાન સમયે બે જૂથ વચ્ચે મારામારી
કચ્છ જિલ્લામાં આજે ત્રણ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન રાપરના ચિત્રોડ ગામે પંચાયતની ચૂંટણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. મતદાન બાબતે ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાવના પગલે રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
• દાહોદના મોટીહાંડી ગામે બબાલ થતાં મતદાન પ્રક્રિયા બંધ કરાઈ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મોટીહાંડી ગામે મતદાન દરમિયાન બબાલ થઈ હતી. આ દરમિયાન સરપંચ અને સભ્યોના 43 બેલેટ ગુમ થતાં મતદાન બંધ કરવું પડ્યું હતું. મતદાન બુથમાં માથાકુટને પગલે ઝાલોદ પ્રાંત અધિકારીએ મતદાન પ્રક્રિયા બંધ કરાવી હતી. ધામણખોબરા પ્રાથમિક શાળાના બુથ નંબર-2માં ચૂંટણી પ્રક્રિયાની અમુક સામગ્રી ગુમ થતા છેલ્લા 2 કલાકથી મતદાન બંધ કરાયું હતું. સમગ્ર ઘટનાને દાહોદ જીલ્લા પોલીસ વડા, DYSP, PI, LCB તેમજ ઝાલોદ SDM અને ઝોનલ અધિકારી સહીતના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જેમાં પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો.
• મોરબી ડાયમંડનગર પાસે પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉમેદવારને બુથ પાસેથી હટી જવાનું કહેતા બબાલ થઈ હતી, બાદમાં અન્ય અધિકારીએ મામલો થાળે પાડ્યો હતો.
આ સ્થળો પર રદ કરાઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણી
મહત્વનું છે કે આજે યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં મતદાન નથી યોજાયું. આનું મુખ્ય કારણ એ છે કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની હોવાથી, જે તે સમયે આ સ્થળોની ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી. રદ કરાયેલી આ ચૂંટણીઓ દિવાળી બાદ યોજાય તેવી શક્યતા છે.
શહેરા તાલુકામાં મતદારોમાં ઉત્સાહ
શહેરા તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયતમાં મતદાન ચાલી રહ્યું છે. મંગલપુર ગામના બુથ નંબર 1 અને 2માં મતદારોનો જમાવડો થયો હતો. મોટી સંખ્યામાં મહિલા અને યુવાન મતદારોની લાંબી લાઇન લાગી હતી. વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા લાઇનમાં લાગી ગયા છે. લોકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાવનગરમાં બોગસ મતદાનનો આરોપ...
ભાવનગરના ફરિયાદકા ગામે ચૂંટણીમાં મતદાન વખતે બોગસ મતદાનનો આરોપ લાગતા મતદારોએ હોબાળો મચાવ્યો હતો. વિદેશમાં રહેતા બે મતદારોના બોગસ મતદાન કરાયાના દાવા કરવામાં આવી રહ્યુ છે.
વડોદરામાં 11 વાગ્યા સુધીમાં 20% મતદાન
વડોદરા જિલ્લામાં લાંબા સમય બાદ આજે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો મતદાન માટે ઉત્સાહ બતાવી રહ્યાં છે. સવારે 11 વાગ્યા સુધીમાં 20 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વડોદરા, જિલ્લામાં અઢી વર્ષના લાંબા ગાળા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લાના આઠ તાલુકા વડોદરા ગ્રામ્ય, પાદરા, ડભોઈ, વાઘોડિયા, કરજણ, શિનોર, સાવલી અને ડેસર તાલુકામાં કુલ 208 પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ 10 બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. આ પંચાયતોમાં સૌથી વધુ પાદરા તાલુકામાં અને સૌથી ઓછી શિનોર તાલુકામાં પંચાયતોની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું.
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચપદ માટે કુલ 584 અને સભ્યપદની ચૂંટણી માટે કુલ 2471 ઉમેદવારો વચ્ચે જંગ છે. સાજે છ વાગ્યા સુધી મતદાન બાદ ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીઓમાં સીલ થઇ જશે. મતદાન દરમિયાન ઓળખપત્ર સહિત કેટલાક મુદ્દાઓ પર બુથ પર સામાન્ય રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોખાસણમાં 80 વર્ષીય માતાને મતદાન કરવા લઈ ગયો 60 વર્ષીય પુત્ર
બનાસકાંઠમાં ગેનીબેને કર્યું મતદાન
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અબાસણા ગ્રામ પંચાયતમાં મતદાન કર્યું હતું. તેમણે સામાન્ય મતદારોની જેમ જ લાઇનમાં ઊભા રહ્યા અને પોતાનો વારો આવ્યો ત્યારે મતદાન કર્યું હતું.
શહેરા તાલુકામાં મતદારોની લાંબી કતારો લાગી
મહિસાગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા જતા નડ્યો અકસ્માત, 2ના મોત, 13થી વધુ ઈજાગ્રસ્ત
ગુજરાતમાં 8000થી વધુ ગ્રામ પંચાયતની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે મહિસાગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મતદાન કરવા જતી વખતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત અને 13 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકો એક પેસેન્જર વ્હિકલ તૂફાનમાં સવાર હતા. ઘટના મુજબ આ તૂફાન અને ટ્રેલર વચ્ચે સંતરામપુર બાયપાસ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મૃતકો દાહોદના રહેવાશી હોવાની જાણકારી મળી રહી છે. તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા અમદાવાદથી દાહોદ તરફ જઇ રહ્યા હતા.
પંચમહાલમાં મતદારોનો ઉત્સાહ જોવા જેવો
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં 24 ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી માટે 68 જેટલા બુથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેને લઈને ઝોઝ, મંગલપુર અને ગુણેલી સહિતના વિવિધ ગામોમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે યુવાનો અને વડીલો સહિતના મતદારોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. શહેરામાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયા દરમિયાન 30463 પુરૂષ 29239 મહિલા મતદારો મળી કુલ 59702 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ત્યારે 9 વાગ્યા સુધીમાં 16 ટકા જેટલું મતદાન નોંધાયું છે. કુલ 27 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના 80 ઉમેદવારો અને સભ્ય પદના 337 ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે.મહત્વનું છેકે બેલેટ પેપરથી અને ગામની ચુંટણીનું મતદાન હોવાથી ગ્રામ્ય વિસ્તારના મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર
ગ્રામ ચૂંટણીમાં 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. કુલ 3,656 સરપંચ અને 16, 224 સભ્યપદ માટે ચૂંટણી યોજાશે. રાજ્યભરના 10,479 મતદાન મથકો પર મતદાન થશે, જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ થઈ છે.
EVM નહીં, બેલેટ પેપરથી મતદાન થશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણીઓની તારીખો 28 મે, 2025 ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીઓમાં EVM નો ઉપયોગ કરવામાં આવશે નહીં, પરંતુ પરંપરાગત મતપેટીઓ દ્વારા મતદાન થશે. આ માટે રાજ્યભરમાં 10,479 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, અને અંદાજે 1.3 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, તેમ છતાં અવારનવાર પરિસ્થિતિમાં માન્ય 14 ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક સાથે મતદાન કરી શકાશે. મતદાન પત્ર દ્વારા મતદાન કરવામાં આવશે અને સુરક્ષાને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તહેનાત કરાશે. ચૂંટણીના 48 કલાક પહેલાં જાહેર સભા અને જાહેર રોશનો પર પ્રતિબંધ રહેશે.
ચૂંટણીનું મહત્ત્વ
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સ્થાનિક સ્તરે વિકાસ અને વહીવટ માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ગામના વિકાસ કાર્યો, સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તાઓ, અને અન્ય મૂળભૂત સુવિધાઓના સંચાલનની જવાબદારી ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર હોય છે. આ ચૂંટણીઓમાં ગ્રામજનો સીધા પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે, જે ગામના ભવિષ્યનું નિર્માણ કરે છે.
સમરસ ગ્રામ પંચાયતની પરંપરા અને હેતુ
ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતની પરંપરા રહી છે, જ્યાં ગામના લોકો સર્વસંમતિથી સરપંચ અને સભ્યોની પસંદગી કરે છે અને ચૂંટણી વગર જ પંચાયતની રચના થાય છે. આ પ્રથા ગામમાં એકતા અને સૌહાર્દ જાળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને આવી પંચાયતોને સરકાર તરફથી વિશેષ પ્રોત્સાહન અને વિકાસ ભંડોળ પણ મળે છે.
આદર્શ આચારસંહિતા
ચૂંટણીની જાહેરાત સાથે જ 28 મે, 2025 થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે, જે 27 જૂન, 2025 સુધી લાગુ રહેશે. આચારસંહિતાના અમલથી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, સરકારી કર્મચારીઓની બદલી અને રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને કોઈપણ પ્રકારની જાહેરાતો કે નાણાકીય ગ્રાન્ટની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે. આજે મતદાન ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, અને 25 જૂને મતગણતરી પછી જ ખબર પડશે કે કયા ગામોમાં કોને સરપંચપદ અને વોર્ડ સભ્યપદનો તાજ પહેરાવવામાં આવશે.