મતદાર કાપલી માત્ર બુથની જાણકારી માટે, વોટિંગ માટે આ 12 ઓળખ પત્રો જ માન્ય, મોબાઈલ પર પ્રતિબંધ: ચૂંટણી પંચ
ગાંધીનગર,તા. 3 ડિસેમ્બર 2022, શનિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એટલે કે, મતદાર કાપલી માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ કાપલી મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં.
મતદાનનો સમયગાળો
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી. આવું ન થાય અને દરેક જાગૃત નાગરિક સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે કે, મતદાનનો સમયગાળો સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે.
પી. ભારતીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. મતદારોએ આ માટે જરૂરી ઓળખ પુરાવા પોતાની સાથે લઈને જવા.
પ્રથમ તબક્કા દરમિયાન ચૂંટણી તંત્રના જાણમાં આવ્યું છે કે, કેટલાક મતદારો પોતાને મળેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ઓળખ દસ્તાવેજ તરીકે સાથે લઈને મતદાન કરવા ગયા હતા. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ મતદારોના બુથની જાણકારી માટે છે. તે ઓળખ દસ્તાવેજ નથી.
આ સિવાય તેમણે કહ્યું કે, દરેક મતદારો પોતાની સાથે મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટં કે અન્ય 12 પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને મતદાન કરી શકે છે.