Gujarat

મતદારોનો ઉત્સાહ : બોટાદ જિલ્લાની 41 ગ્રા.પં.માં 63 થી 73 % મતદાન

By GS TEAM
23 Jun 20253 mins read
મતદારોનો ઉત્સાહ : બોટાદ જિલ્લાની 41 ગ્રા.પં.માં 63 થી 73 % મતદાન

- લોકશાહીના પર્વમાં પુરૂષો સાથે મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

- 8 ગ્રામ પંચાયત સંપૂર્ણ, 5 અંશતઃ બિનહરીફ જાહેર, બુધવારે મતગણતરી બાદ નવા શાસનનો નવો અધ્યાય લખાશે

બોટાદ : બોટાદ જિલ્લાની ૪૧ ગ્રામ પંચાયતની સામાન્ય,વિભાજન,મધ્યસત્ર અને પેટા ચૂંટણીમાં પુરૂષ અને મહિલા મતદારોએ ઉત્સાહભેર ૬૩થી ૭૩ ટકા જેટલું મતદાન કરી લોકશાહીના પર્વને મનાવ્યો હતો. ૩૧ ગ્રામ પંચાયતની સામાન્ય,વિભાજન,મધ્યસત્રની ચૂંટણીમાં અંદાજે ૭૩.૨૩ ટકા અને ૧૦ ગ્રા.પં.ની પેટા ચૂંટણીમાં ૬૩.૮૧ ટકા મતદાન થયું હતું. હવે બુધવારે મતગણના સાથે ચૂંટણીવાળી તમામ ગ્રામ પંચાયતોમાં નવા સરપંચ-સભ્યોના શાસનનો નવો અધ્યાય શરૂ થઈ જશે.

બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકાની ૧૪, બરવાળા અને રાણપુર તાલુકાની બે-બે તેમજ બોટાદ (ગ્રામ્ય) તાલુકાની ૧૩ મળી ૩૧ ગ્રામ પંચાયતની સામાન્ય,વિભાજન,મધ્યસત્રની ચૂંટણી યોજાઈ હતી. આ ૩૧ ગ્રામ પંચાયતમાં કુલ ૮૩,૭૬૮ મતદારો પૈકી ૩૩,૨૮૫ પુરૂ। તથા ૨૮,૦૬૧ સ્ત્રી મતદારો મળી કુલ ૬૧,૩૪૬ મતદારોએ મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો.એટલે કે અંદાજિત ૭૩.૨૩ ટકા જેટલું ઉંચું મતદાન થયું હતું. મતદાનમાં સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.જ્યારે બોટાદ (ગ્રામ્ય) તાલુકાની ૪, ગઢડા તાલુકાની બે, બરવાળા તાલુકાની ૩ અને રાણપુર તાલુકાની ૧ મળી કુલ ૧૦ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીમાં ૫,૮૪૬ પુરૂષ અને ૫,૨૮૧ સ્ત્રી મળી કુલ ૧૧,૧૨૭ મતદાર નોંધાયેલા હતા. તેમાંથી ૩,૮૬૯ પુરૂષ અને ૩,૨૩૧ સ્ત્રી મળી ૭,૧૦૦ મતદારો મળી કુલ અંદાજે ૬૩.૮૧ ટકા મતદાન થયું હતું. સવારે ૭ કલાકે ૧૧૨ મતદાન મથક પર શરૂ થયેલા મતદાનના પ્રારંભથી લઈ સાંજે ૬ વાગ્યે મતદાન પૂર્ણ થયા ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો. કોઈપણ સ્થળોએ કોઈ વાદ-વિવાદની ફરિયાદ સામે ન આવી હોવાનું ચૂંટણી તંત્ર તરફથી દાવો કરાયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે એકંદરે મતદાનની પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થતાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે રાહતનો દમ લીધો હતોે. મતદાન પૂર્ણ થતાં તમામ મતપેટીઓને સુરક્ષા સાથે સ્ટ્રોગરૂમમાં લઈ જવાઈ હતી.ઉલ્લખનિય છે કે, જિલ્લાની આઠ ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ અને પાંચ ગ્રામ પંચાયત અંશતઃ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી.

112 પૈકી 48 મતદાન મથક સંવેદનશીલ જાહેર થયા હતા

બોટાદ જિલ્લાના ૪૧ ગામમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થયું હતું. જેના માટે ઉભા કરવામાં આવેલા ૧૧૨ પૈકીના ૪૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર થયેલા હોય, આ તમામ મતદાન મથકો પર પોલીસનો વધારોના બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો.

તાલુકા પ્રમાણે મતદાનની ટકાવારી પર નજર

બોટાદ જિલ્લામાં સામાન્ય,વિભાજન,મધ્યસત્રની ચૂંટણીમાં થયેલા મતદાનની ટકાવારી જોઈએ તો, બોટાદ (ગ્રામ્ય)માં ૧૩ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૭૨.૪૩ ટકા મતદાન, ગઢડા તાલુકામાં ૧૪ ગ્રામ પંચાયતોનું અંદાજે ૭૪.૧૦ ટકા, બરવાળા તાલુકામાં ૨ ગ્રામ પંચાયતો માટેના મતદાનમાં અંદાજે ૬૭.૧૭ ટકા, રાણપુર તાલુકામાં ૨ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૭૭.૩૩ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે પેટા ચૂંટણીમાં બોટાદ (ગ્રામ્ય)માં ૪ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૬૪.૮૨ ટકા, ગઢડા તાલુકામાં ૨ ગ્રામ પંચાયતોમાં ૬૪.૭૬ ટકા, બરવાળામાં ૩ ગ્રામ પંચાયતોમાં ૬૧.૭૦ ટકા અને રાણપુરમાં ૧ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં અંદાજે ૫૩.૪૦ ટકા મતદાન થયું હતું. મતદાનનો આ ટેન્ટેટિવ આંકડો હોય, આવતીકાલ સોમવાર સુધીમાં ફાઈનલ આંકડો જાહેર થઈ જશે.