Get The App

વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં હાઇવે તરફથી આવતા વરસાદી પાણી શહેર બહાર વાળવા મ્યુ. કોર્પોરેશનની કામગીરી પ્રગતિ હેઠળ 1 - image

Vadodara : હાઇવે તરફથી શહેરમાં પ્રવેશતા વરસાદી પાણીને બહાર વાળવા મ્યુ. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે આર.સી.સી. વરસાદી ચેનલોનું નિર્માણ પ્રગતિ હેઠળ છે. કામગીરી પૂર્ણ થતાં પૂર્વ તથા દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાથી નાગરિકોને રાહત મળશે તેવો મ્યુ. કોર્પોરેશને દાવો કર્યો છે.

હાઇવે તરફથી શહેરના ઉત્તર અને પૂર્વ ભાગમાં પ્રવેશતા વરસાદી પાણીને શહેર બહાર વાળવા માટે હાઇવેને સમાંતર શહેર તરફના 12 મીટર પહોળા રસ્તે અગાઉ પાંજરાપોળથી વિશ્વામિત્રી નદી સુધી આર.સી.સી. વરસાદી ચેનલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

હાલમાં પાંજરાપોળથી જાંબુઆ નદી તરફના હયાત કાચા કાંસવાળા વિસ્તારમાં પાંજરાપોળથી આજવા રોડ જંકશન સુધી રૂ.13.51 કરોડના ખર્ચે 1325 મીટર લંબાઈમાં 3.મી.×3.મી. માપની આર.સી.સી. કવર્ડ વરસાદી ગટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. 

આ કામગીરીના ડાઉનસ્ટ્રીમ ભાગમાં આજવા રોડ જંકશનથી એલ એન્ડ ટી કલ્વર્ટ સુધી અંદાજિત રૂ.16.23 કરોડના ખર્ચે 2000 મીટર લંબાઈમાં 3.મી.×3.મી. સાઇઝની આર.સી.સી. કવર્ડ વરસાદી ચેનલનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. 

જ્યારે એલ એન્ડ ટી કલ્વર્ટથી જાંબુઆ નદી તરફના ભાગમાં અંદાજિત રૂ.20.81 કરોડના ખર્ચે 2100 મીટર લંબાઈમાં 3.મી.×3.મી. આર.સી.સી. કવર્ડ વરસાદી ચેનલનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. તે ઉપરાંત બાકી રહેલા ભાગમાં અંદાજિત રૂ.50 કરોડના ખર્ચે 2500 મીટર લંબાઈમાં નવી આર.સી.સી. કવર્ડ વરસાદી ચેનલ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવશે.