વડોદરા કોર્પોરેશન કચરા નિકાલની વ્યવસ્થા સુદ્રઢ કરવા 1.53 કરોડના ખર્ચે 20 ટ્રેક્ટર ટ્રોલી ખરીદશે

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના નિકાલ માટેની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા માટે કોર્પોરેશન 1.53 કરોડના ખર્ચે 20 ટ્રેક્ટર ટ્રોલી ખરીદશે. પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરાના નિકાલ અને વ્યવસ્થાપન કરવાની કામગીરી કરવામાં આવે છે.
વડોદરા શહેરમાંથી નિકળતા કચરાને નકકી કરેલ સ્પોટ ખાતે કન્ટેનર મુકી કલેકશન કરી કચરાનો નિકાલ થાય તે મુજબની વ્યવસ્થા છે, પરંતુ ટ્રેક્ટર ટ્રૉલી જેવા વાહનો પાલિકા પાસે પૂરતા પ્રમાણમાં ન હોવાથી કચરાનો નિકાલ કરવા માટે ટ્રેક્ટર ટ્રૉલી ભાડેથી લઈ ઘન કચરાના નિકાલની કામગીરી કરવામાં આવે છે. શહેર નજીકના 7 ગામોનો સમાવેશ પાલિકાની હદમાં કરવામાં આવેલ છે. આ તમામ નવા વિસ્તારમાં સોલીડ વેસ્ટ કલેક્શન, પ્રોસેસિંગ તથા નિકાલની સુવિધા પૂરી પાડવા તથા હાલની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમને વધુ સુદ્દઢ કરવા માટે ટ્રેક્ટર ટ્રૉલી જેવા વાહનોની આવશ્યકતા છે. ગ્રાન્ટના કામોની સમીક્ષા મીટીંગમાં 15માં નાણાંપંચની 2024-25ની ગ્રાન્ટ પેટે 20 ટેકટર ટ્રૉલી ખરીદ કરવાનું આયોજન કરવામાં આવેલું હતું.