રાત્રી બજાર અને છાણીમાં ફુડ શોપ જાહેર હરાજીથી ભાડે આપવાની વડોદરા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી
Vadodara Corporation : વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ રાત્રી બજારની 18 અને છાણી વિસ્તારમાં આવેલી 10 દુકાનો જાહેર હરાજીથી ભાડે આપવા અંગેની કાર્યવાહી વડોદરા કોર્પોરેશન હાથ ધરી છે.
શહેરના આજવા રોડ બાયપાસના સયાજીપુરા ખાતે આવેલ રાત્રી બજારની 18 દુકાનો જાહેર હરાજીથી વાર્ષિક વાપર ઉપયોગ ફી નક્કી કરીને ત્રણ વર્ષની મુદત માટે અપાશે. શહેરના પૂર્વ છેવાડે આજવા રોડ પર બાયપાસ નજીક સયાજીપુરા રાત્રી બજાર આવેલું છે આ રાત્રી બજારની 18 દુકાનો વાર્ષિક ધોરણે વાપર ઉપયોગથી ભાડે અપાશે. આ દુકાનો પૈકી નં. 1, 2, 13થી 16, 20, 24, 26 તથા 29 થી 35 નંબર સુધીની દુકાનો જનરલ કેટેગરી માટે અને દુકાન નં. 17 (એસટી કેટેગરી માટે) અને દુકાન નં. 22 (એસસી કેટેગરી માટે) અનામત રાખવામાં આવી છે. અરજીપત્રકો આગામી તા.12, ઓગસ્ટના બપોરે 2 કલાક સુધી આપી શકશે.
એજ પ્રમાણે શહેરના ઉત્તર છેવાડે છાણી ગામના પ્રવેશ દ્વાર પાસે બનાવેલી 10 ફૂડ શોપ ત્રણ વર્ષ માટે ભાડેથી અપાશે. વડોદરા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલ ફુડશોપ દુકાનો જાહેર હરાજી દ્વારા વાર્ષિક વાપર ઉપયોગથી ત્રણ વર્ષની મુદત માટે ભાડે આપવાની હોવાથી કોઈપણ વ્યક્તિ-સંસ્થાઓ અરજી કરી શકે છે.
આ અંગે નિયત નમૂનાની અરજી જમીન મિલકત શાખા ખાતેથી કામકાજના દિવસો દરમિયાન મેળવી શકાશે. આ ઉપરાંત શરતો અને નકલો પાલિકાની વેબસાઈટ પરથી પણ મળશે. આ અંગે ડિપોઝિટ સાથે અરજી તથા જરૂરી પુરાવા સાથે આગામી 12, ઓગસ્ટ સુધીમાં જમીન મિલકત અમલદાર, રૂમ નંબર 203, ખંડેરા માર્કેટ બિલ્ડીંગ, રાજમહેલ રોડ ખાતે મોકલી આપવા આસિ. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે.