Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે પાલિકાની વોર્ડ નંબર 13 અને 14ની કચેરીની મુલાકાત લીધી હતી. નાગરિકો તરફથી આવતી ફરિયાદના નિરાકરણની વિગત તપાસી હતી. આ સાથે કેટલાક ફરિયાદ કરનારાઓને તેમની સફાઈ અને ડ્રેનેજની ફરિયાદ મામલે વળતો ફોન કરી તપાસ કરતા કામગીરી થઈ ગઈ હોવાનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે ઓવરઓલ સફાઈ થાય એ દિશામાં કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ કરીને રોડ પરના દબાણ ન રહેવા જોઈએ અને આડેધડ પાર્કિંગ ન થવા જોઈએ. બિલ્ડીંગની બહાર જે ગંદકી થાય છે તે માટે બિલ્ડીંગના માલિક જવાબદાર છે. આ સાથે વોર્ડ, સેનેટરી અને દબાણની ટીમને એકત્ર કરી જરૂરી સુચના આપવા સાથે શહેરની ચોખ્ખાઈ માટે બધા સાથે મળીને કામ કરીએ તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. એમણે એમ પણ જણાવ્યું કે, જો એક લાખની વસ્તીનો વિસ્તાર છે તેની સામે 490 પ્લસ સફાઈ સેવકો છે, એટલે દરેક સફાઈસેવક રોજ દરેક જગ્યાએ જઈ ન શકે. જાહેર જગ્યાએ ગંદકી ન થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી સ્વચ્છતા જાળવવી એ માત્ર કોર્પોરેશનની જવાબદારી નથી પરંતુ નાગરિકોએ પણ તે વિકસાવી પડશે. 99% લોકો સારા છે પણ જે એક ટકા લોકો જાણે જોઈને ગંદકી કરે છે તેઓ ગંદકી ન ફેલાવે તેવી તેમને કડક સૂચના આપી હતી. અન્યથા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આજથી ખંડેરાવ માર્કેટની આજુબાજુ સફાઈ કરી નવેસરથી સફાઈ અભિયાન શરૂ કરીશું, જેની અસર આગામી દિવસોમાં જોવા મળશે. આ સાથે હાલ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં નથી તેનો ઝડપથી અમલ થાય તે દિશામાં કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે, જેથી દરેક માર્ગ પર દબાણ ન થાય અને વાહન ચાલકોને હેરાન નવ થવું પડે. રસ્તા વાહન હંકાર માટે છે, લારી-ગલ્લા-પથારાના દબાણ માટે નહીં. વેન્ડર પોલિસીનો અમલ થતા દરેક વિસ્તારમાં લારીઓ માટે અલગ જગ્યા ફાળવવામાં આવશે એટલે જ્યાં ત્યાં થતા લારી, પથારાના દબાણ પર અંકુશ આવશે.


