Gujarat

વિઠ્ઠલાપરા ગામમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ-કિચડનું સામ્રાજ્ય

By GS TEAM
19 Jun 20252 mins read
વિઠ્ઠલાપરા ગામમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કાદવ-કિચડનું સામ્રાજ્ય

વરસાદમાં જ પ્રિ-મોનસુન કામગીરીની પોલ છતી થઈ

વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિત વૃધ્ધોને હાલાકી ભોગવવાનો વારો આવતા તંત્ર સામે રોષ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદ બાદ અનેક ગામોમાં કાદવ અને કીચડના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લખતરના વિઠ્ઠલાપરા ગામમાં પ્રથમ વરસાદમાં જ ઠેરઠેર કાદવ અને કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે. 

લખતર તાલુકાના વિઠ્ઠલાપરા ગામની અંદર પ્રથમ વરસાદ પડવાના કારણે પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અહીં દુર્ગધયુક્ત પાણીની સાથે કાદવ,કીચડ સામ્રાજ્ય જામ્યું છે.જેના કારણે સર્જાતી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકોને અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે. જયારે પ્રાથમિક શાળાની આસપાસ સહિતના માર્ગો ઉપર કાદવ કીચડ સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શાળાએ આવતા બાળકોને પણ કાદવ કીચડ વચ્ચે પસાર થઈને મજબુર બનીને ચાલવું પડી રહ્યું છે તેમજ ગામના મુખ્ય માર્ગો ઉપર કાદવ કીચડથી રાહદારીઓ, સિનિયર સીટીઝન, મહિલાઓ, વૃધ્ધોને લપસી જવાથી ઈજાઓ પહોંચવાની શક્યાતાઓ પણ સેવાઈ રહી છે. આમ વિઠ્ઠલાપરા ગામમાં પ્રથમ વરસાદ બાદ કાદવ અને કીચડની સમસ્યા સર્જાતા ગ્રામ પંચાયતની પ્રિ-મોનસુન કામગીરીની પોલ છતી થઈ છે અને ગ્રામજનોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે તેમજ ગામમાં ગંદકી અને વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી છે ત્યારે તાત્કાલીક યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.