વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 17.68 ફૂટે પહોંચી : નદીનું ભયજનક લેવલ 26 ફૂટ
Vadodara Vishwamitri River : વડોદરાના ઐતિહાસિક આજવા સરોવરના 62 દરવાજામાંથી હજુ 6,500 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાઈ રહ્યું છે. જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 17.68 ફૂટે પહોંચી હતી. ગઈકાલે સવારે વિશ્વામિત્રીનું લેવલ 11.51 ફૂટ હતું, એટલે કે 24 કલાકમાં નદીની સપાટીમાં છ ફૂટનો વધારો થયો છે.
વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ગઈ રાત્રે વડોદરામાં નોંધપાત્ર વરસાદ થવાથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઝડપથી વધારો થયો હતો. આજવા સરોવરનું લેવલ આજે સવારે 213.03 ફૂટ હતું. આજવામાં પાણી ઠાલવતી આસોજ ફીડર હજુ 0.39 મીટરથી ચાલુ છે. ગઈ રાત્રે આજવા સરોવરનું લેવલ વધીને 213.50 ફૂટ નજીક પહોંચી ગયું હતું. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીની પહોળાઈ અને ઊંડાઈ વધારવાની જે કામગીરી કરી એના કારણે નદીમાંથી પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે. અગાઉ નદીની વહન ક્ષમતા 750 કયુમેકસ( ક્યુબિક મીટર પર સેકન્ડ) હતી, જે હવે વધીને 1150 ક્યુમેક્સ થઈ છે. નદીનું લેવલ હાલની સ્થિતિએ 20 ફૂટ આસપાસ પહોંચે તેવું જણાઈ રહ્યું છે. જોકે બધો આધાર વરસાદ પડે છે કે કેમ તેના પર રહેલો છે. 20 ફૂટ નજીક નદીનું લેવલ પહોંચે ત્યારે ડેમના દરવાજા બંધ કરવા અંગે નિર્ણય થઈ શકે તેમ જાણવા મળ્યું છે.