આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું
Vadodara: આજવા સરોવરના ઉપવાસમાં છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા અવિરત વરસાદના કારણે અહીં ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગઈકાલ સવારે 9 વાગ્યાથી ડેમ ઓવરફ્લો થતાં એમાંથી પાણી વહી રહ્યું છે અને તે વિશ્વામિત્રી નદીમાં આવતાં નદીની સપાટી વધીને આજે 18 ફૂટે પહોંચી છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પાલિકા અને પોલીસ તંત્ર એક્શનમાં આવીને લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ રહીશોનું સ્થળાંતર કરાવવાનું શરુ કરાવ્યું છે.
શહેર માટે પીવાના પાણીનો સૌથી મહત્ત્વનો સ્ત્રોત એવા આજવા સરોવરના ઉપરવાસમાં 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા યેલો ઍલર્ટની આગાહી સાથે આજવાના ઉપરવાસ હાલોલ, કાલોલ ગોધરા સહિત પંચમહાલના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલ વરસાદના કારણે આજવા સરોવરમાં સતત પાણી આવી રહ્યું છે. જેને કારણે આજવા સરોવરની સપાટી ખૂબ ઝડપથી વધી ગઈ હતી. ગઈકાલે સવારે 9 વાગે આજવા સરોવરમાંથી પાણી ઓવરફ્લો થવાનું શરુ થાય બાદ હજુ આજે પણ આજવા સરોવરમાંથી પાણી ગયું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હાલ આજવા સરોવરની સપાટી 213 ફૂટ જણાઈ રહી છે. જેમાં સતત ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજવા સરોવરમાંથી સતત પાણી છોડાતાં વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી રહી છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આજે વિશ્વામિત્રી નદીની સપાટી સવારે 18 ફૂટ થઈ હતી. તો બીજી તરફ હાલ વરસાદ અટકતાં ઘણી રાહત થઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ તંત્ર દ્વારા એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે, વિશ્વામિત્રી નદીની સપાટી વધીને હજુ 20 ફૂટ સુધી પહોંચી શકે છે! જો કે ગઈકાલે મોડી રાત્રે થયેલ મુશળધાર વરસાદી ઝાપટા બાદ વરસાદ સતત ધીમો અથવા બંધ રહેતાં હાલ વિશ્વામિત્રી નદીની સપાટી ન વધવાને એક મોટી રાહત ગણી શકાય છે.
વિશ્વામિત્રીની નદીની સપાટી જે રીતે વધી છે તેના કારણે નદીના કાંઠે આવેલ શહેરના છેવાડાનું કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું થયું છે. વિશ્વામિત્રી નદીના પાણી આ ગામની આજુબાજુ ફરી વળતા અહીંના સમૃદ્ધિ મેન્શન, કાસા રેસીડેન્સી ખાતે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણી આ વિસ્તારમાં ફરી વળતાં પાલિકા અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાના અધિકારીઓ જેસીબી મશીન પર માઇક એનાઉન્સમેન્ટ દ્વારા નાગરિકોને નદીની સતત વધતી સપાટી અંગે માહિતગાર કરવા સાથે અહીંથી ખસી જવા સાથે અન્ય જગ્યાએ જતાં રહેવાની સૂચના આપી રહ્યા છે. વહીવટી તંત્ર આજવા સરોવર, વિશ્વામિત્રી નદીની સપાટીની સાથો સાથ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શક્યતાઓ પર પણ સતત નજર રાખી રહ્યું છે.