વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઇફેક્ટ : માટી ભરેલા ડમ્પરો દોડતા વડસરના રહીશોને ત્રાસ, ડમ્પરો રોક્યા
Vadodara : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં વડસર નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના ચાલતા રિવાઇવલ પ્રોજેક્ટમાં વડસર-ઓરા ઈલાઈટ વિસ્તારમાંથી દોડતા માટી ભરેલા ડમ્પરના કારણે ત્રાહિમામ સ્થાનિક રહીશોએ આજે સવારે પાલિકાના 15 જેટલા ડમ્પરોને રોક્યા હતા. જ્યાં સુધી રસ્તાની કામગીરી શરૂ ના થાય ત્યાં સુધી વિસ્તારમાંથી ડમ્પરો જવા દેવામાં આવશે નહીં તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે માટી ભરેલા ડમ્પરો વડસર-ઓરા ઇલાઇટ પાસેના કાચા રસ્તેથી સતત દોડતા હોવાના કારણે ધૂળની ડમરીઓ ઉડવાથી લોકોના ઘરમાં માટી ભરાઈ જાય છે અને વારંવાર સાફ-સફાઈ કરવાની જરૂર પડે છે. ડમ્પરોને કારણે રોડ રસ્તા પર પડી ગયેલા ખાડાના કારણે ત્રણ ચાર મહિલાઓ પડી જતા તેમને પણ ઇજાઓ થઈ હતી.
માટી ઉડવાના કારણે ત્રાહિમામ સ્થાનિક લોકોએ આજે સવારે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના 15 જેટલા ડમ્પરોને સ્થાનિક રહીશોએ રોક્યા હતા. રોડ રસ્તા અંગે બિલ્ડર પણ કોઈ વાત ગણકારતા નથી. કોર્પોરેશન દ્વારા આ રોડ રસ્તાનું રીપેરીંગ ન થાય ત્યાં સુધી માટી ભરેલા ડમ્પરો આ વિસ્તારમાંથી નહીં દોડાવવા સ્થાનિક રહીશોની માંગ છે.