Gujarat

વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું

By GS TEAM
16 Dec 20251 min read
વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું

વડોદરાઃ વિદેશ મોકલવાના નામે ઠગાઇના અવારનવાર કિસ્સા  બનતા હોવા છતાં હજી લોકો આસાનીથી વિઝા એજન્ટની વાતોમાં ફસાઇ જતા હોય છે.વડોદરાના ગ્રામ્ય વિસ્તારના એક યુવકને આવી જ રીતે રશિયા જવાનો વરવો અનુભવ થતાં તેણે અમદાવાદના વિઝા કન્સલટન્ટ સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધાવી છે.

કરજણ તાલુકાના કંડારી ગામે રહેતા અને ખેતી કામ કરતા જીગ્નેશકુમાર ડાભીએ પોલીસને કહ્યું છે કે,મારે રશિયા જવું હોવાથી મારા સંબંધી વિનોદભાઈ મારફતે ગોરવાના નીતિનભાઈ પરમારનો સંપર્ક થયો હતો. નીતિનભાઈએ અમદાવાદના નક્ષ વર્લ્ડ પ્રા. લિ. ના સંચાલક ભાવેશભાઈ અને હિતેશભાઈ સાથે મારી વાત કરાવી હતી. 

વિઝા કન્સલટન્ટે મને વર્ક પરમિટ આપવાની વાત કરી રૃ.૩ લાખનો ખર્ચ કહ્યો હતો.જેની મેં ચૂકવતાં તેમણે મને ઇ-વિઝા અને ટિકિટ મોકલ્યા હતા.વિઝા કન્સલટન્ટે મને હોટલમાં રહેવા અને રૃ.૧ લાખ સુધીના પગારની નોકરી માટે ખાતરી આપી હતી.પરંતુ હું ત્યાં પહોંચ્યો ત્યારે હોટલમાં રહેવાની કે નોકરીની કોઇ વ્યવસ્થા નહતી.અરૃણ નામના એજન્ટે મને જુદીજુદી જગ્યાએ રાખ્યો હતો.૧૦ દિવસમાં મને જાણ થઇ હતી કે મને વિઝિટર વિઝા આપવામાં આવ્યા છે.જેથી ૧૫ દિવસમાં જ મારે પરત ફરવું પડયું હતું.

ઉપરોક્ત ફરિયાદને આધારે પોલીસે નક્ષ વર્લ્ડ પ્રા.લિ.(ટીઆરપી મોલ,ધ રિટેલ પાર્ક મોલ,સેન્ટ્રલ કોર્ટ પાસે,બોપલ)ના સંચાલક ભાવેશ મોહનભાઇ મકવાણા અને હિતેશ જશવંતસિંહ સોલંકી તેમજ તેમનો સંપર્ક કરાવનાર નીતિન માનસિંહ પરમાર (લક્ષ્મીકુંજ સો.,ગોરવા) અને વિનોદ મણીલાલભાઇ વણકર(પરિવાર ચાર રસ્તા પાસે,ગાયત્રી સોસાયટી,વડોદરા) સામે ગુનો નોંધ્યો છે.