Get The App

વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
વિઝા એજન્ટ યુવાનને વ્યાજના રૃપિયા વસૂલવા માટે વ્યાજખોરોએ માર માર્યો 1 - image


ગાંધીનગરમાં વ્યાજખોરોનો આતંક યથાવત

૧૦ ટકા ઉંચા વ્યાજે રૃપિયા આપીને ધમકી આપવામાં આવી ઃ અડાલજ પોલીસમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અડાલજમાં રહેતા યુવાને અંબાપુર અને પેથાપુરના વ્યાજખોરો પાસેથી વ્યાજવા રૃપિયા લીધા હતા. જેની વસુલાત માટે આ બંને વ્યાજખોરો દ્વારા અન્ય બે શખ્સો સાથે આવીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધીરતા આવા શખ્સો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોય છે ત્યારે આ વખતે અડાલજ ગામમાં રહેતો અને વીઝા એજન્ટ તરીકે કામ કરતો યુવાન ત્વિક રમેશભાઇ પટેલ વ્યાજખોરોના આતંકનો ભોગ બન્યો છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઋત્વિકને રૃપિયાની જરૃરિયાત ઊભી થતા તેણે પેથાપુર ખાતે રહેતા જીગર દેસાઈ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૫૦ હજાર રૃપિયા લીધા હતા જ્યારે અંબાપુર ગામના ભાવિન દેસાઈ પાસેથી પાંચ ટકા વ્યાજે ૫૦ હજાર રૃપિયા લીધા હતા. જે રૃપિયા પેટે તેણે બેંકના કોરા ચેક પણ આપ્યા હતા.

રૃપિયા લીધાના પંદરેક દિવસ બાદ આ શખ્સો વ્યાજના પૈસા તથા મુદ્દલ પરત કરવા બાબતે ધાકધમકી આપવા લાગ્યા હતા. અગાઉ, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દસેક દિવસમાં આ બંનેએ ત્વિકના ઘરે આવીને તેની માતા અને પત્નીને પૈસા તો આપી દેવા પડશે નહીં તો હાથ પગ ભાગી જશે તેવી ધમકી આપી હતી. ત્યારે ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ ઋત્વિક કોમ્પલેક્ષમાં આવેલા  સલુન ખાતે વાળ કપાવવા ગયો હતો. તે સમયે અચાનક ભાવિન દેસાઈ અને જીગર દેસાઈ તેમના બે અજાણ્યા મિત્રો સાથે ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે વ્યાજના પૈસા ક્યારે આપે છે? અને પૈસા ના આપવા હોય તો ગાડીમાં બેસી જા તેમ કહીને ધમકી આપી હતી. ત્વિકે ગાડીમાં બેસવાની ના પાડતાં બે વ્યાજખોરો અને તેમના મિત્રો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. હાલ તેની ફરિયાદના આધારે અડાલજ પોલીસે બંને સામે ગુનો દાખલ કરી છે તપાસ શરૃ કરી છે.

Tags :