વિષાણુનો વિસ્તારઃ જામનગરમાં વધુ 10 : રાજકોટમાં વધુ 9 કેસો
વિશ્વમાં જૂલાઈ- 24 પછી કોરોનાની વધુ એક લહર શરૂ થઈ : દરેક વયજુથ અને વિસ્તારમાં નોંધાતા કેસો : જામનગરમાં 15 મેડીકલ સ્ટુડન્ટ સંક્રમિત, માસ્ક-ડિસ્ટન્સ જરૂરી બન્યા
રાજકોટ, : વિશ્વમાં ગત વર્ષે જૂલાઈ- 2024ના કોરોના કેસોમાં વધારો થયો અને આ મોજુ જાન્યુઆરી- 2025 સુધી ચાલ્યા બાદ ફેબુ્રઆરીથી અનેક દેશોમાં અને ગુજરાત સહિત દેશમાં મે માસથી કોરોનાની નવી લહર શરૂ થઈ છે જે ભારતમાં ઓમિક્રોન વેરિયેન્ટથી છે. સૌરાષ્ટ્રમાં પણ વિષાણુ વધુને વધુ લોકોને સંક્રમિત કરવા લાગ્યો છે અને હોટસ્પોટ બનેલા રાજકોટમાં આજે વધુ 9 અને જામનગરમાં 10 સહિત આ બે શહેરોમાં જ 19 કેસો નોંધાયા છે.
રાજકોટમાં આજે જલારામપ્લોટ-1 56 વર્ષના એક અને ગાર્ડન સિટીમાં 20 અને 46 વર્ષની બે મહિલાને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે જ્યારે સત્યસાંઈ રોડ પર 60 વર્ષ, બજરંગવાડીમાં 45 વર્ષના પુરૂષો તેમજ શીતલપાર્ક, મવડી, હાઉસીંગ સોસાયટી વોર્ડ નં. 18 અને જામનગર રોડ પર 15થી 35 વર્ષના 4 યુવાનો સહિત 9 કેસો નોંધાયા છે અને કૂલ કેસની સંખ્યા 86 પર પહોંચી છે. રાજકોટમાં એડમીટ કરાયેલા તબીબને આજે ડિસ્ચાર્જ કરાયા હતા.
જામનગરમાં માત્ર ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં જ ૧૨ વિદ્યાર્થીઓ અને પી.જી.મેડીકલ હોસ્ટેલના ૩ સહિત ૧૫ તબીબી વિદ્યાર્થીઓ આજ સુધીમાં કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત આજે આઠ કેસોમાં પાર્ક કોલોની વિસ્તારના ૫૫ વર્ષના, જટેશ્વર પાર્કમાં ૬૩ વર્ષ, ગોકુલધામમાં ૬૦ વર્ષના પુરૂષો, પટેલ કોલોનીમાં ૧૯ વર્ષનો યુવાન,પવનચક્કી વિસ્તારમાં ૧૫ વર્ષીય તરૂણી, પી.જી.હોસ્ટેલમાં ૩૪ વર્ષીય મહિલા અને ખરવા ચકલા વિસ્તારમાં ૫૫ વર્ષના મહિલા સમાવિષ્ટ છે.
કોરોનાથી બચવા લોકોને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા, ઈમ્યુનિટી વધારતો આહાર-વિહાર રાખવા, શરદી-ઉધરસના લક્ષણો હોય તો સંપર્ક ટાળવા, હાથને વારંવાર ધોવા, કોરોના થયો હોય તેમને લક્ષણો તપાસતા રહેવા અને ખાસ કરીને મોટી ઉંમરના, બિમારી ધરાવનારા, સગર્ભા મહિલા અને નાના બાળકોનું વિશેષ ધ્યાન રાખવા અપીલ કરાઈ છે.