વીરપુર જલારામ મંદિર, રાજકોટમાં સદ઼્ગુરૂ આશ્રમ 6 દિવસ બંધ રહેશે
- રજાના દિવસોમાં ભારે ભીડ ઉમટતા સ્વૈચ્છિક લોકડાઉન
- તા. 27થી તા. 1 સાતમ આઠમના તહેવારોમાં દર્શનાર્થી માટે બંધ
અન્ય ધર્મસ્થળો કરી રહ્યા છે વિચારણાઃ લોકોના ધસારાથી સંક્રમણનો ખતરો
રાજકોટ, : ગઈકાલે રક્ષાબંધનના દિવસે અને તે પહેલા પંદરમી ઓગષ્ટ આસપાસ રજાઓમાં ધર્મસ્થળોએ દર્શનાર્થે અને હરવા ફરવા આવનારાની ભારે ભીડ સર્જાઈ હતી જે ધ્યાને લઈને પ્રસિધ્ધ વીરપુર ખાતે આવેલ જલારામ મંદિર અને રાજકોટમાં સદ્ગુરૂ રણછોડદાસજી આશ્રમમાં તા.૨૭-૮થી તા. ૧ સપ્ટેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. મંદિરના સૂત્રોએ જણાવ્યું કે ભક્તજનોના સ્વાસ્થ્ય અને હિત માટે આ નિર્ણય લેવો પડયો છે.
તા.૨૭ ઓગષ્ટે નાગપાંચમ સાથે સાતમ આઠમની પર્વશ્રૂંખલા શરૂ થાય છે, તા.૨૮ના રાંધણછઠ્ઠ, તા.૨૯ના શીતળાસાતમ અને તા.૩૦ના જન્માષ્ટમી પર્વ છે અને આ દિવસોમાં સૌરાષ્ટ્રમાં વર્ષોની પરંપરા મૂજબ લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં બહાર ફરવા નીકળી પડે છે અને યાત્રાધામો તથા હરવા ફરવાના સ્થળોએ ભારે ભીડ સર્જાતી રહી છે. આમ, આ દિવસો ધ્યાને લઈને ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. હાલ, કોરોના સંક્રમણ નહીવત્ થયું છે પરંતુ, ત્રીજુ મોજુ ન આવે તેવી કોઈ ખાત્રી આપતું નથી ત્યારે સૌરાષ્ટ્રના અન્ય જાણીતા ધર્મસ્થળો કે જ્યાં રજાના દિવસોમાં ભારે ભીડ થતી હોય છે તે પણ આ દિવસોમાં બંધ રાખવા વિચારણા કરી રહ્યા છે.