Gujarat

બોરસદના વાસણામાં બોગસ વોટિંગના વાઈરલ વીડિયોથી ટોળા ઉમટયા

By GS TEAM
23 Jun 20251 min read
બોરસદના વાસણામાં બોગસ વોટિંગના વાઈરલ વીડિયોથી ટોળા ઉમટયા

- ઝોનલ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ

- મદીનાનગર સોસાયટી બૂથ નં-૧૨માં બહારથી ગુલાબી સ્લીપ સાથે મતદારો આવતા હોવાનો આક્ષેપ

આણંદ : બોરસદ તાલુકાના વાસણા ગામમાં સરપંચની ચૂંટણીના મતદાનમાં બોગસ મતદાન થતું હોવાનો વીડિયો વાયરલ થતા ટોળાઓ એકત્ર થયા હતા. આ અંગે ઝોનલ ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી.

બોરસદના વાસણા ગામમાં સરપંચની ચૂંટણીમાં મદીના નગર સોસાયટી ખાતે આવેલા બૂથ નં.-૧૨માં લગભગ ૪ વાગ્યાના અરસામાં કોઈ ચૂંટણી એજન્ટ દ્વારા બહારથી કોઈ ઉમેદવારની બેલેટ પેપર જેવી ગુલાબી સ્લીપો લઈ મતદારો આવતા હોવાનો વીડિયો વાઈરલ થતા વિસ્તારમાં ટોળા ઉમટયા હતા. જો કે, પોલીસે ત્વરિત ટોળાને વિખેરી કાઢ્યા હતા. આ અંગે બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે પ્રિસાઈડિંગ ઓફિસર અને બાદમાં ઝોનલ ચૂંટણી અધિકારીને ફરિયાદ સાથે રજૂઆત કરાઈ હતી.

બૂથ નં.-૧૨ના પ્રિસાઈડિંગ ઓફિસર રાજેશ મેકવાને જણાવ્યું હતું કે, ફરિયાદ ખોટી રીતે ઉભરી આવી છે. મેં ફરિયાદ સંદર્ભે ચૂંટણી અધિકારીને જવાબ આપી દીધો છે.