વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોરવા વિસ્તારની વીર સાવરકર સ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરીના ભાગરુપે હાલમાં જૂનું બિલ્ડિંગ તોડવામાં આવી રહ્યું છે અને આ ડિમોલિશન દરમિયાન પણ કેમ્પસના એક બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલું રાખવામાં આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે શિક્ષણ સમિતિ શહેરમાં ૧૨ જેટલી શાળાઓના નવા બિલ્ડિંગ બનાવી રહી છે.આ પૈકી ગોરવાની વીર સાવરકર સ્કૂલમાં હિન્દી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જૂના બિલ્ડિંગનું ડિમોલિશન ચાલું થયું ત્યારે ગુજરાતી માધ્યમના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને કરોળીયાની સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા પણ હિન્દી માધ્યમના બાળ મંદિરથી લઈને ધો.૧૦ સુધીના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પસના જ એક બિલ્ડિંગમાં ભણી રહ્યા છે.
ડિમોલિશનની કામગીરી દરમિયાન ઉડતી ધુળના કારણે કલાસના બારી બારણા પણ બંધ રાખવા પડે છે.ઉપરાંત વિદ્યાર્થીઓની અવર જવર થતી હોય ત્યારે ડમ્પરોની પણ આ જ રસ્તા પર અવર જવર ચાલું હોય છે.આમ બાળકો ભારે હાલાકી વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે.
વાલીઓ બાળકોને અન્ય સ્કૂલમાં મોકલવા માટે તૈયાર નહોતા
સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ નાનો- મોટો ધંધો રોજગાર કરે છે અને સ્કૂલની આસપાસ રહે છે.અમે તેમની એક બેઠક બોલાવી હતી અને વાલીઓએ આ જ જગ્યાએ સ્કૂલ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો.કારણે વિદ્યાર્થીઓને દૂરની સ્કૂલમાં શિફટ કરવાની વાલીઓની તૈયારી નહોતી.જો વિદ્યાર્થીઓને બીજે મોકલવામાં આવ્યા હોત તો કદાચ ઘણા વાલીઓ બાળકોને ઉઠાડી લેત.એટલે સ્કૂલ આ જ સંકુલમાં ચાલુ રખાઈ છે.બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે.સ્કૂલ ચાલુ થવાના અને પૂરી થવાના અડધો કલાક અગાઉ સ્ટાફ બાળકોના જવા આવવાના રુટ પર ઉભો રહીને નજર રાખે છે.


