નીટની પરીક્ષાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર વિપુલ તેરૈયાની ધરપકડ
કુલ પાંચેક છાત્રોના વાલીઓ પાસેથી પૈસા પડાવ્યાની શક્યતા
ઝડપાયેલો આરોપી એજ્યુકેશનલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે, સાથે એગ્રિકલ્ચર પ્રોડક્ટની એજન્સી ધરાવે છે
રાજકોટ: નીટમાં પાસ કરાવી દેવાના અગર તો વધારે માર્કસ અપાવી દેવાના બહાને લાખો રૂપિયા પડાવતી ટોળકી સામે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે મુખ્ય સુત્રધાર વિપુલ મૂળશંકર તેરૈયા (ઉ.વ.૪૪, રહે. ઇસ્કોન એમ્બીટો, મવડી-કણકોટ રોડ)ની ધરપકડ કરી છે. આ ટોળકીએ પાંચેક છાત્રોના વાલીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાની ક્રાઇમ બ્રાંચે શક્યતા દર્શાવી છે.
જેતપુરમાં રહેતા તુષારભાઈ વેકરીયાના પુત્રને નીટમાં સારા માર્કસ અપાવી દેવાના બહાને આરોપીઓમાં ધોરાજીમાં રહેતા રાજેશ હરિભાઈ પેથાણી, રાજસ્થાનના ઉદયપુરના ધવલ સંઘવી, રાજકોટના વિપુલ તેરૈયા, તેના ભાઈ પ્રકાશ (રહે. હાલ સુરત) અને કર્ણાટકના બેલગાંવના મનજીત જૈન સહિતની ટોળકીએ રૂા. ૩૦ લાખ પડાવ્યા હતાં. જે અંગે ગઇકાલે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે તપાસનીસ પીએસઆઈ અનિરૂધ્ધસિંહ જાડેજાએ મુખ્ય સુત્રધાર વિપુલ તેરૈયાની ધરપકડ કરી હતી. જે એજ્યુકેશનલ કન્સ્લટન્ટ ઉપરાંત એગ્રીકલ્ચર પ્રોડક્ટની એજન્સી ધરાવે છે.
ક્રાઇમ બ્રાંચ અત્યાર સુધીમાં આરોપીઓએ કેટલા છાત્રો પાસેથી પૈસા પડાવ્યા તે અંગે તપાસ કરી રહી છે. જો કે ક્રાઇમ બ્રાંચને પ્રાથમિક તપાસમાં પાંચેક છાત્રોને શિકાર બનાવાયાની માહિતી મળી છે. પરંતુ આવા છાત્રો કે તેના વાલીઓએ હજુ સુધી ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો નથી. આરોપીઓ જેવો શિકાર તે પ્રમાણે પૈસાની માગણી કરતાં હતા. રૂા. ૬૦ લાખ સુધી માગણી કરેલી છે.
ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહીલે જણાવ્યું કે જે છાત્રો નીટની એક્ઝામ આપવાના હોય તેને આરોપીઓ શોધી શિકાર બનાવતા હતા. ફરિયાદી તુષારભાઈ વેકરીયા સાધુ વાસવાણી રોડ પર આવેલી રોયલ એકેડેમી સ્કૂલના રાજેશ પેથાણી મારફતે ધવલના સંપર્કમાં આવ્યા હતાં. ધવલ થકી તેરૈયા બધુઓના કોન્ટેક્ટમાં આવ્યા હતાં. ત્યાર પછી આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂા. ૩૦ લાખ લીધા હતાં. આ છેતરપિંડી ૨૦૨૪ના જાન્યુઆરી માસમાં થઇ હતી. ૨૦૨૪માં કાંઇ નહીં થતાં ફરિયાદીને આરોપીઓએ આ વર્ષે કંઇક કરશું તેમ કહ્યું હતું.પરંતુ ફરિયાદીને શંકા જતાં પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓ નીટની પરીક્ષા બાબતે કાંઇ કરી શકતા ન હતાં. પૈસા પડાવ્યા બાદ પરત પણ આપતા ન હતા. આમ છતાં ભોગ બનનાર વાલીઓ ડરને કારણે પોલીસનો સંપર્ક પણ કરતાં ન હતા. જેના પરથી લાગે છે કે બીજા વાલીઓ પણ ભોગ બન્યાં છે. જે અંગે તપાસ થઇ રહી છે. મોટાભાગે આરોપીઓએ ૨૦૨૪માં જ આ કૌભાંડ આચર્યું હતું.
આરોપી મનજીત બેલગાંવમા સીબીએસઇમાં એક્ઝામ કો ઓર્ડિનેટર તરીકે કામ કરતો હોવાની માહિતી મળી છે. મુખ્ય સુત્રધાર તરીકે મનજીત ઉપરાંત ધરપકડ કરાયેલા વિપુલની સંડોવણી ખુલી છે.