Vadodara : વડોદરા શહેરના પ્રતાપનગર પાસે ગાજરાવાડી રોડ પર આવેલ સ્લોટર હાઉસ ફરી એકવાર વિવાદમાં અટવાયુ છે. તંત્ર દ્વારા આ સ્લોટર હાઉસમાં બંધાવવામાં આવેલા નિયમો સરેઆમ ઘોળીને પી જવાય છે. મરેલા ઢોરની કોઈપણ પ્રકારની ચીરફાડ નહીં કરવા સહિત મરેલા ઢોરના ચામડા પણ કાઢવા પર સખત મનાઈ હોવા છતાં પણ આંખ આડા કાન કરીને કોન્ટ્રાક્ટરને તરફેણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પ્રતાપ નગર ગાજરાવાડી રોડ પર પાલિકાનું સ્લેટર હાઉસ આવેલું છે. મરેલા ઢોરઢાખરને આ સ્લોટર હાઉસમાં લાવવામાં આવે છે જ્યાં તમામ પ્રકારના મૃતક પશુઓને બાળવામાં આવતા હોય છે. આ અંગે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટરના માણસો પાલિકાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પાલિકા દ્વારા આ સ્લોટર હાઉસમાં વિવિધ નિયમો અંગે પણ પ્રીત સર બોર્ડ પણ લગાવ્યું છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્લોટર હાઉસમાં મરેલા ઢોરઢાખરની ચીરફાડ કરાશે નહીં ઉપરાંત આવા મરેલા ઢોરઢાખરના ચામડા પણ યેનકેન કાઢવા પર પણ સખત મનાઈ ફરમાવાઇ હોવાનું સ્પષ્ટ જણાવાયું છે. જ્યારે આ વિસ્તારમાં અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે. સ્લોટર હાઉસમાં મરેલા ઢોરઢાખરની ચીરફાડની દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠે છે. સ્થાનિક લોકોને ગંભીર બીમારીનો પણ સતત વય સતાવી રહ્યો છે. ઉપરાંત વાતાવરણ પણ કલુષિત થતું હોવા અંગેની પણ ફરિયાદો ઉઠી છે. તપાસમાં સ્લોટર હાઉસમાં કોન્ટ્રાક્ટરના હાજર કેટલાક માણસો મરેલા ઢોર ઢાખરનું ચામડું સિફત પૂર્વક કાઢતા નઝરે ચડ્યા હતા. આ અંગે પૂછપરછ કરતા કોઈએ પણ સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હતો. હવે જોવાનું એ રહે છે કે પાલીકા તંત્ર આવા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટર રદ કરીને તેની સામે કાનૂની કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે એ હવે જણાશે.
આ ઉપરાંત આ વિસ્તારની હવા પ્રદુષિત થતા જીપીસીપી બોર્ડ પણ કોઈ કાર્યવાહી કરશે કે પછી વહી રફતારની જેમ માત્ર કાર્યવાહી કાગળ પર થાય તો નવાઈ નહીં. જોકે અગાઉ પણ આ સ્લોટર હાઉસ સમયાંતરે જાતજાતના અનેક વિવાદોમાં આવી ચૂક્યું હતું. હવે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે ખરી?


