કાલાવડના રણુજા રામદેવપીરના મંદિરે ત્રી-દિવસીય લોકમેળામાં તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવાના મામલે ગ્રામજનોમાં નારાજગી
image : Filephoto
Jamnagar Nava Ranuja : કાલાવડ તાલુકાના વોડીસાંગ (દેવપુર-રણુજા ) ગામે રણુજા ધામે રામદેવપીરના સાનિધ્યમાં છેલ્લા 50 વર્ષથી રામદેવપીરના મંદિરના આંગણે સાંસ્કૃતિક લોક મેળો યોજાય છે, ત્યારે આ વર્ષે કાલાવડ મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજવા કાર્યવાહી હાથ ધરી છે, જેથી ગ્રામજનો દ્વારા આ લોકમેળો ટેન્ડર પ્રક્રિયાથી ન થાય તે બાબતે શખ્ત વિરોધ કરવામાં આવ્યો છે, અને જો તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો કરવામાં આવ્યો છે, તો મેળો નહીં થવા દઇએ તેવી પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચારવામાં આવી છે.
સ્થાનિક ગ્રામ પંચાયત અને મંદિર વ્યવસ્થાપક દ્વારા 50 વર્ષથી સાંસ્કૃતિક રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે એકાએક તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી મેળો યોજાય તે મામલે ગ્રામજનોને જણાવ્યું હતું. જેથી ગ્રામજનો સહિત મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે, અને વર્ષોથી પરંપરા ચાલતી હોય જેથી 50 વર્ષથી જે રીતે મેળો યોજાઇ રહ્યો છે તે જ રીતે મેળો યોજાય તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.
નવા રણુજા રામદેવપીરના મંદિરે દર વર્ષે ભાદરવાની નોમ દશમ અને અગિયારસ સુદના દિવસે ત્રણ દિવસનો લોકમેળો યોજવામાં આવે છે જે લોકમેળો 50 વર્ષથી ગ્રામજનો, મંદિર અને કાલાવડ મામલતદાર તરફથી આયોજન કરવામાં આવે છે. જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે જેવી કે લાઈટ, પાણી, સફાઈ, મેનેજમેન્ટ સહિતની તમામ વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે અને ત્રિ-દિવસીય લોકમેળામાં બહોળી સંખ્યામાં લોકો આવે છે, અને રામદેવપીરના મંદિરે શ્રદ્ધાળુઓ દર્શન કરે છે.
જેથી આ લોકમેળો આસ્થા સાથે પણ જોડાયેલો છે, તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું, અને જો તંત્ર દ્વારા વર્ષોની પરંપરા મુજબ મેળો યોજવામાં નહીં આવે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે, તેવી મ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચારવામાં આવી છે.