Bodeli Taluka Protest In Chhota Udepur : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલના વિરોધમાં ગામલોકો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોની માગ છે કે, 'જેતપુર-પાવી તાલુકામાં સમાવવામાં આવેલા ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની આવે.'
બોડેલી તાલુકાના 4 ગામોનો જેતપુર પાવી તાલુકામાં સમાવવા મામલે વિરોધ
વર્ષ 2013માં વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અલગ થયો એ સાથે જ બોડેલી તાલુકો પણ નવો બન્યો હતો અને જેતપુર પાવી, સંખેડા તાલુકામાંથી ગામો છૂટા પાડી બોડેલીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. જે-તે વખતે જેતપુર-પાવી તાલુકાની વાજપુર જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ પાંચ ગામોમાં વાજપુર, શિવજીપુરા, મુઢીયારી, કથોલા, આમ ચાર ગામોને બોડેલી તાલુકામાં સમાવવામાં આવ્યા હતા. જ્યારે ઝાબ ગામને જેતપુર પાવી તાલુકામાં સમાવવામાં આવ્યું હતું.
આમ, એક જ ગ્રામ પંચાયતના પાંચ ગામોમાં ચાર ગામ બોડેલી તાલુકામાં અને એક ગામ જેતપુર પાવી તાલુકામાં હોવાથી અનેકવાર ગ્રામ પંચાયતના વિભાજનની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમ છતાં ગ્રામ પંચાયતનું વિભાજન થયું નહોતું. પરંતુ હવે ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની જગ્યાએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ થઈ છે, ત્યારે ગામલોકોએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માગ સાથે અધિક કલેક્ટર કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

સમગ્ર મામલે ગામલોકોએ જણાવ્યું હતું કે, વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ચાર ગામને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવા અંગે ગ્રામ સભામાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી, અને ગામલોકોની સંમતિ લીધા વગર જ જેતપુર પાવી તાલુકામાં સમાવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
વધુમાં સ્થાનિકોએ કહ્યું કે, 'ચાર ગામને બોડેલી તાલુકાનું વડુ મથક માત્ર 16 કિલોમીટર છે, જ્યારે જેતપુર પાવી તાલુકાનું વડુ મથક 30 કિલોમીટર દૂર પડે છે. રાજ્ય સરકાર એક તરફ કદવાલ તાલુકાના લોકોને તાલુકા મથક દૂર પડતું હોવાથી અલગ તાલુકો આપી ઘર આંગણે લોકોને સુવિધા ઊભી કરી છે, જયારે વાજપુર ગ્રામ પંચાયતના ચાર ગામને માત્ર 16 કિલોમીટર દૂર આવેલા બોડેલી તાલુકા મથકની સુવિધાઓ છીનવી 30 કિલોમીટર દૂર કરવાની હિલચાલને લઈને ગામલોકોએ વિરોધ કર્યો છે અને ચાર ગામને બોડેલી તાલુકામાં જ રાખવામાં આવે તેવી માગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.'


