Get The App

મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
મહુધાના સિંઘાલીમાં મનરેગાના કામોમાં ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોનો મોરચો 1 - image

- ગાંધીનગરથી વિજિલન્સ તપાસની માંગણી

- 2021 થી 2025 દરમિયાન થયેલા વિકાસકામો માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપ સાથે ટીડીઓ કચેરીએ લેખિત રજૂઆત

નડિયાદ : મહુધા તાલુકાના સિંઘાલી ગામમાં મનરેગા યોજના અંતર્ગત થયેલા વિવિધ વિકાસકામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ મોરચો માંડયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ના સમયગાળા દરમિયાન અનેક કામો માત્ર કાગળ પર જ દર્શાવીને સરકારી નાણાંનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે ગાંધીનગરથી વિજિલન્સ તપાસની માંગણી સાથે તંત્રને સીધો પડકાર ફેંકવામાં આવતા અધિકારીઓમાં ફાળ પડી છે.

સિંઘાલી ગામના નાગરિકોએ ઓનલાઇન ડેટાના આધારે તપાસ કરતા જણાયું હતું કે, ગામમાં વસુધા વંદન વાટિકા અને હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ જેવા કામો પૂર્ણ થયેલા બતાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં સ્થળ પર આવા કોઈ જ કામો થયા નથી. કેટલાક અધૂરા કામોને પણ કાગળ પર પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત જોબકાર્ડના વિતરણમાં પણ મોટી ગેરરીતિ સામે આવી છે. ગામમાં કુલ ૩૦૩ જોબકાર્ડ હોવા છતાં માત્ર ૯ કાર્ડધારકો જ સક્રિય છે, જે સૂચવે છે કે મજૂરી કર્યા વગર જ મળતિયાઓના ખાતામાં નાણાં જમા કરાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠયાં છે. આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારે જણાવ્યું હતું કે, તેમણે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હોવા છતાં અને નિયત ફી ભર્યા બાદ પણ તંત્ર દ્વારા માહિતી આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે. કલાકો સુધી કચેરીએ બેસાડી રાખ્યા બાદ પણ અધિકારીઓ સંતોષકારક જવાબ આપતા નથી. ગ્રામજનોએ સહીઓ સાથેના આવેદનપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે, જો આ મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

આરટીઆઈની માહિતી આપવામાં ઠાગાઠૈયા

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ સિંઘાલી ગામના અરજદારે કરેલી અરજીને એક કચેરીથી બીજી કચેરીએ ધકેલવામાં આવી રહી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ અરજી તાલુકા વિકાસ અધિકારીને તબદીલ કરવામાં આવી છે, તેમ છતાં અરજદારને પુરાવા પૂરા પાડવામાં આવતા નથી. કાયદાકીય જોગવાઈ હોવા છતાં તંત્રની આ ઢીલી નીતિ ભ્રષ્ટાચારને છાવરતી હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે.

જોબકાર્ડમાં વહાલા-દવલાની નીતિ

મનરેગા યોજનામાં મજૂરોને સીધી રોજગારી આપવાના બદલે ગામના પ્રભાવશાળી લોકોના નામે જોબકાર્ડ બનાવીને નાણાં બારોબાર સેરવી લેવાનું કૌભાંડ હોવાની શંકા છે. ૩૦૦થી વધુ કાર્ડ હોવા છતાં જૂજ લોકો જ સક્રિય હોવા પાછળનું કારણ તપાસનો વિષય છે. વાસ્તવિક મજૂરોને કામ મળતું નથી અને જે કામ કરે છે તેમને કાર્યસ્થળ પર મળતી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવે છે, તેવા આક્ષેપો ઉઠયાં છે.