Gujarat

હળવદના ટીકરમાં ગટરની સમસ્યાથી ગ્રામજનોમાં આક્રોશ

By GS TEAM
25 Dec 20251 min read
હળવદના ટીકરમાં ગટરની સમસ્યાથી ગ્રામજનોમાં આક્રોશ

- તંત્રને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી

- ગ્રામજનોએ ધારાસભ્ય વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી હાઈવે ચક્કાજામની ચીમકી ઉચ્ચારી

હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે ગટરના ગંદા પાણી અને ખખડધજ રસ્તાની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા લાંબા સમયથી ગામના મુખ્ય માર્ગો પર દુર્ગંધયુક્ત પાણી ભરાઈ રહેતા અને ઘરોમાં ગટરના પાણી ઘૂસી જતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. 

તંત્ર અને લોકપ્રતિનિધિઓની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કરતા ગ્રામજનોએ એકઠા થઈને ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને ભાજપ વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો.

ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્યને વિસ્તારના વિકાસમાં કોઈ રસ નથીે. અનેકવાર રજૂઆતો કરવા છતાં રસ્તા, ગટર અને કેનાલ જેવી પાયાની સુવિધાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગંદા પાણીને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. રોષે ભરાયેલા રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં હળવદ હાઈવે પર ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.