Gujarat

ઠાસરાના રાણિયાના ગ્રામજનોનો રેતી ચોરી જતા ડમ્પરને રોકી હોબાળો

By GS TEAM
13 Sep 20252 mins read
ઠાસરાના રાણિયાના ગ્રામજનોનો રેતી ચોરી જતા ડમ્પરને રોકી હોબાળો

- જાણ કરવા છતાં ખાણ- ખનીજ અધિકારી ફરક્યા નહીંનો આરોપ

- ડમ્પર ડાકોર પોલીસને સોંપ્યું : પોલીસે સમાધાન કરાવી ડમ્પર સહિત ચાલકને ભગાડયાનો આક્ષેપ

ડાકોર : ઠાસરા તાલુકાના રાણીયા પટ્ટી પર આવેલા મહી નદીના કિનારા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ખનન ચોરી ચાલી રહી છે જેમાં નરી આંખે દેખાય તેવા નદી ના પટમાં ખનન ન કારોબાર બેરોકટોક ચાલી રહ્યા છે પરંતુ, ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એકાદ વખત આવી કામગીરી કરીને ચાલ્યા જાય છે. 

ખનન માફિયાઓને કારણે રાણીયા વિસ્તારમાં કેટલાય નવયુવાનોનો જીવ પણ ગયો છે. રાણીયા પટ્ટીપર આશરે ૧૦ ગામો નદીના પટ પાસે આવેલા છે. જ્યાંથી ડાકોર ૧૬ કિલોમીટર થાય છે. ૧૬ કિલોમીટરનું અંતર કાર્યા બાદ ડમ્પર ચાલકો ખનન અધિકારીઓના હાથમાં ન આવે અને કોઈ રોકી ન શકે. માટે ૧૬ કિ.મી. કાપવાની ઉતાવળમાં યુવાનોને અડફેટે લઈ અકસ્માતો નોતરે છે. 

તા. ૧૧મીને ગુરવારે મોડી સાંજે ઉમરેઠ તાલુકાના ઓળ ગામેથી ખનન ચોરી કરવા મહી નદીના પટમાં જેસપુરા ગામમાંથી પસાર થઈને ડમ્પરોએ જેસપુરા ગામના બાઈક ચાલક યુવકને રોડની સાઈડ ઉપરના ખાડામાં પાડી દીધો હતો. ગ્રામજનો ભેગા થઈને ડમ્પર ચાલકને રોકીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ફોન કર્યો હોવા છતા  ફરક્યા નહીં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. 

ડમ્પર ડાકોર પોલીસને સોંપ્યું હતું. ડાકોર પોલીસે અરજી આપનારા ગ્રામજનો પાસે સમાધાન કરાવીને ડમ્પર ચાલકને ભગાડી મુક્યો હોવાનો આક્ષેપ કરાયો છે. 

સરકારી તંત્રની કામગીરીથી કેટલાય લોકોના ભોગ લેવાઈ રહ્યા છે છતાંય તંત્ર ક્યારે જાગશે તેની રાહ જોતા રાણીયા રોડ વિસ્તારમાં રહેતા રહીશો નિસાસા નાખી રહ્યા છે.