VIDEO | પાટણ: રખાવમાં 'જનતા રેડ' બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ સ્ટેશન ગજવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Patan News : ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધ હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામે 'જનતા રેડ' બાદ મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ કરી ભારે હોબાળો બચાવ્યો હતો. સ્થાનિકો સાથે ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહીને દારૂના વેચાણ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને પી.આઈ.ની બદલીની માંગ કરી હતી.
પાટણના રખાવમાં 'જનતા રેડ' બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ!
મળતી માહિતી મુજબ, પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામ ખાતે છેલ્લા ઘણાં સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાને લઈને સ્થાનિકોએ અનેક વખત તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. જો કે, પોલીસ દ્વારા બુટલેગરો પર કોઈ પ્રકારે કાર્યવાહી ન કરતાં રોષે ભરાયેલા સ્થાનિકોએ દારૂના અડ્ડા પર રેડ મારીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ પછી સ્થાનિકોએ દેશી દારૂથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમ સરસ્વતી પોલીસ સ્ટેશન લઈ પહોંચ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ કેમ્પસમાં જ દેશી દારૂ ઢોળીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગામમાં દારૂના વેચાણ મામલે અનેક વખત પોલીસને રજૂઆત કરી છે. જેમાં ત્રણ જેટલાં બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે, પોલીસ દ્વારા કોઈ પ્રકારે એક્શન ન લેવાતા અંતે 'જનતા રેડ' કરીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકોએ વિરોધ કરીને બુટલેગર સામે યોગ્ય કાર્યવાહી કરવા અને પી.આઈ. ચૌધરીની બદલી કરવાની માંગ કરી હતી.
ધારાસભ્યએ કહ્યું કે, 'ગામમાં દેશી દારૂ વેચાતો હોવાનું સ્થાનિકોએ જાણ કરી હતી. આ પછી મેં પી.આઈ. ચૌધરી સાથે ટેલિફોનિક વાત કરી હતી. પરંતુ દારૂ ન વેચાતો હોવાનું પી.આઈ.એ જણાવ્યું હતું. જો કે, ત્યારબાદ આ મામલે એસપીને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરંતુ કોઈ પગલાં લેવામાં ન આવતા અંતે સ્થાનિકોએ દારૂના અડ્ડા પર રેડ મારીને જથ્થો પોલીસ સ્ટેશન લાવ્યા હતા.'









