Gujarat

છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ

By GS TEAM
3 Aug 20251 min read
છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ



છાણી સ્મશાનનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપવા મામલે ગ્રામજનોએ સ્મશાન અગાઉની પરિસ્થિતિમાં રાખવાની માંગ સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કોર્પોરેટર જોડાતા ગ્રામજનોના આક્રોશનો ભોગ બન્યા હતા.

છાણી ગામના સ્મશાનનું ખાનગીકરણ કરાતા ગ્રામજનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આજે છાણી ગામના તમામ સમાજના લોકો એકત્ર થયા હતા. અને અમારું બનાવેલ મુક્તિધામ અમને પરત આપો તેવા બેનર રાખી સૂત્રોચ્ચાર   કરી ગામમાં રેલી સ્વરૂપે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાતા તેઓ નાગરિકોના આક્રોશનો ભોગ બન્યા હતા. હું કોર્પોરેટર તરીકે નહીં પણ ગામના નાગરિક તરીકે  આવ્યો છું તેમ કોર્પોરેટરે જણાવતા મામલો સમેટાયો હતો. આંદોલનકારીનું કહેવું હતું કે, અમારે રાજકીય પક્ષની જરૂર નથી, રવિવારે ગામમાં બંધનું એલાન છે, સોમવારના રોજ મ્યુ .કમિશનરને રજૂઆત કરીશું.