સોલાર કંપનીના સત્તાધીશોએ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રસ્તો નવો બનાવવાની ખાતરી આપી પણ
કંપનીએ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રસ્તો નવો બનાવવાની ખાતરી આપી પણ કામગીરી નહીં કરતાં પગલાં ભરવા માંગ
ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામથી કૃષ્ણનગર સુધીનો અંદાજે ૩ કિલોમીટરનો રસ્તો છેલ્લા લાંબા સમયથી અત્યંત દયનીય હાલતમાં છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, વિસ્તારમાં કાર્યરત ખાનગી સોલાર પ્લાન્ટના ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. આ બિસ્માર રસ્તાને કારણે સૌથી વધુ મુશ્કેલી પ્રસૂતા મહિલાઓ અને દર્દીઓને થાય છે, જેમને કટોકટીના સમયે સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોલાર કંપનીના સત્તાધીશોએ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રસ્તો નવો બનાવવાની ખાતરી આપી હતી. જોકે, કામ પૂર્ણ થયાને ૮ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કંપની દ્વારા રિપેરિંગની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ગ્રામજનોએ અગાઉ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આથી, રોષે ભરાયેલા ગ્રામજનોએ હવે સરકારી તંત્ર અને જવાબદાર અધિકારીઓ પાસે માંગ કરી છે કે ખાનગી કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે જેથી લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે.


