ઉવારસદમાં પીવાલાયક પાણી માટે વલખાં ઃ ગ્રામજનોમાં રોષ
તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિકોને રોગચાળાનો ભય
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે.ગ્રામજનોને મળતું પાણી ગંદું અને દુર્ગંધયુક્ત હોવાના કારણે અનેક લોકોની તબિયત બગડી રહી છે. ખાસ કરીને બાળકોમાં પેટ દુખાવો, ઉલટી-જાડા જેવી સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે.
શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં પાણીની લાઇન ગટર લાઇન સાથે
ભળી જતાં ગંદું પાણી નળોમાંથી આવતા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. પીવાનું પાણી
મળવાને બદલે ગ્રામજનો ગંદુ અને ચીકણું પાણી પીને પરેશાન થઈ ગયા છે. પરિણામે ગામમાં
રોગચાળો ફેલાવાની ભીંતી ઊભી થઈ છે. સ્વચ્છ પાણી મેળવવા ગ્રામજનોને સવારથી પરેશાન
થવું પડે છે. આ પરિસ્થિતિ સામે તંત્ર મૌન છે તેવા પણ આક્ષેપો ઉઠી રહ્યા
છે.ગ્રામજનો દ્વારા રજૂઆતો બાદ પણ તંત્ર તરફથી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.જેના
પગલે ગ્રામજનોમાં ભારે રોષ છે અને જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો રોગચાળાનો
ભય સતાવી રહ્યો છે. આમ ગંદુ પાણી આવતું હોવાના કારણે ગ્રામજનોની હાલત કફોડી બની
જવા પામી છે. તંત્ર દ્વારા તરત તપાસ કરીને પાણી લાઇનમાં સુધારાઓ કરવામાં આવે અને
પીવાલાયક પાણી ઉપલબ્ધ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે.