ડીજીપી તરીકે એક્સટેન્શન મેળવનાર વિકાસ સહાય ચોથા પોલીસ અધિકારી
સૌથી વધુ આઠ મહિનાની મુદ્દત આશિષ ભાટીયાની વધી હતી
અગાઉ એસ એસ ખંડવાવાલા અને શિવાનંદ ઝાને પણ ત્રણ મહિનાનું એક્સટેન્શન અપાયું હતુ
અમદાવાદ,સોમવાર
ડીજીપી તરીકે એક્સટેન્શન મેળવનાર આઇપીએસ અધિકારી વિકાસ સહાય ગુજરાતના ચોથા પોલીસ વડા છે. આ અગાઉ આશિષ ભાટિયા, એસ એસ ખંડવાલાલા અને શિવાનંદ ઝાની ડીજીપી તરીકેની મુદ્દત વધારવામાં આવી હતી. જેમાં સૌથી વધારે આઠ મહિનાની મુદ્દત આશિષ ભાટીયાની વધારવામાં આવી હતી.
ડીજીપી વિકાસ સહાયની નિવૃતિને લઇ રાજ્યના પોલીસ બેડામાં સૌથી વધારે સસ્પેન્સ જોવા મળ્યું હતું. છેવટે તેમને રાજ્ય પોલીસ વડા તરીકે વધારાની છ મહિનાની મુદ્તનો પરિપત્ર જાહેર કરવામાં આવતા આખો દિવસ ચાલેલી અટકળોનો અંત આવ્યો હતો. ડીજીપી વિકાસ સહાય નિવૃતિ બાદ એક્સટેન્શન લેનારા રાજ્યના ચોથા ડીજીપી બન્યા છે. અગાઉ આશિષ ભાટીયા ૩૦મી મે ૨૦૨૨ના રોજ નિવૃત થવાના હતા.
પરંતુ, તેમને આઠ મહિનાની વધારા મુદ્ત ડીજીપી તરીકે આપવામાં આવી હતી. જ્યારે ૧૯૮૩ની બેચના આઇપીએસ અધિકારી શિવાનંદ ઝા ૩૦મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ નિવૃત થવા હતા.
પરંતુ, તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન અપાયુ હતું. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૦માં એસ એસ ખંડવાવાલાને પણ રાજ્ય પોલીસ વડા તરીકે ત્રણ મહિનાની વધારાની મુદ્ત આપવામાં આવી હતી.