વિજય રૂપાણીની જીવન ઝરમર, કોલેજના મહામંત્રીથી મુખ્યમંત્રી
4 વર્ષની ઉંમરે બર્માથી રાજકોટ આવ્યા હતા : રાજકોટમાં મેયર તરીકે માનવી ત્યાં વિકાસની વાત કરી તો મુખ્યમંત્રી તરીકે નિર્ણાયકતા, સંવેદનશીલતા પર ભાર મુક્યો
રાજકોટ, : તા. 2 ઓગષ્ટ 1956 માં બર્માના રંગુનમાં જૈન વણિક પરિવારને ત્યાં જન્મેલા વિજયભાઈ રમણિકભાઈ રૂપાણી માત્ર 4 વર્ષની ઉંમરે રાજકોટ પરિવાર સાથે આવી ગયા હતા. વિદ્યાર્થી કાળમાં રાજકોટની ડી.એચ.કોલેજમાં મહામંત્રી બનવાથી માંડીને ઈ.સ. 2016માં ગુજરાતના મુખ્યમંત્રી સહિતની તેમની સફર અનેક પડકારવાળી હતી પરંતુ, તેમને તેમનો સરળ સ્વભાવ છોડયો ન્હોતો.
રાજકોટમાં બી.એ. અને સૌ.યુનિ.માં એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરીને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી.માં જોડાયા અને ઈ.સ. 1971માં તેઓ ભારતીય જનસંઘમાં જોડાયા હતા.
તેમણે આજે પણ યાદગાર અને અસરકારક એવા નવનિર્માણ આંદોલનમાં ભાગ લીધો અને ઈમરજન્સી વખતે તેમણે ભાવનગર અને ભૂજ જેલમાં 11 માસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. ઈ.સ. 1980 માં ભાજપની સ્થાપના થયા બાદ એ વખતે સામા પ્રવાહે તરીને તેઓ 1987 માં રાજકોટ મનપામાં ચૂંટાયા, સ્થાયી સમિતિ ચેરમેન બાદ ઈ.સ. 1996-97માં તેઓ મેયર પદે રહ્યા હતા અને ત્યારે તેઓ માનવી ત્યાં સુવિધાની સંવેદનાસભર વાત આજે પણ લોકો યાદ કરે છે.
તેમણે જીવન પક્ષને સમર્પિત કર્યું હતું, ઈ. 2001માં હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે જિંદગીની પ્રથમ ચૂંટણી રાજકોટથી લડતા હતા અને તે તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો ત્યારે વિજયભાઈ તેમના પ્રચાર માટે સતત કાર્યરત રહ્યા હતા. તેઓ 2006થી 2012 રાજ્યસભાના સભ્ય, 2014થી 2022 રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય, ઈ.સ. 2014માં પાણી પૂરવઠા મંત્રી, 2016માં પ્રદેશ ભાજપ પ્રમુખ ઉપરાંત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન સહિત અનેક પદો અને તા. 7-8-2016 ના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ઈ.સ. 2021 સુધી આ પદ પર રહ્યા ત્યારે કોરોના કાળ જેવા અનેક પડકારોનો તેમને સહજતાથી સામનો કર્યો હતો.મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા પર ભાર મુક્યો અને અધિકારીઓને કહેતા કામમાં મોડુ એટલું મોંઘુ.આ સંવેદનશીલ નેતાએ તેમના એક પુત્ર પુજીતનું અવસાન થયા બાદ તેમની યાદમાં પૂજીત રૂપાણી ટ્રસ્ટ સ્થાપીને અનેક ગરીબ બાળકોની જિંદગી રોશન કરી છે.