Get The App

વિજાપુરના ગેરિતામાં પરણિતાની 'અગ્નીપરિક્ષા' લેનાર ચારની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્યા હતા હાથ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
વિજાપુરના ગેરિતામાં પરણિતાની 'અગ્નીપરિક્ષા' લેનાર ચારની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્યા હતા હાથ 1 - image

Mehsana News: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં શુક્રવારે ધૃણાસ્પદ ઘટના સામે આવી હતી. જ્યાં એક પરિણીત મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને તેની પવિત્રતા સાબિત કરવા માટે સાસરિયાઓ દ્વારા ઉકળતા તેલમાં હાથ નખાવવાની ક્રૂર ઘટના બની હતી. એટલું જ નહીં, પીડિતા પર ગરમ તેલ પણ નાખવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે પીડિતાની નણંદ અને નણદોઇ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. 

શું છે સમગ્ર ઘટના?

વિજાપુર તાલુકાના ગેરિતા ગામમાં રહેતી એક પરિણીતા પર અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનો વહેમ રાખી શંકાના આધારે, પરિણીતાને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સમાજમાં પ્રવર્તતી કુરિવાજ અને અંધશ્રદ્ધાને વશ થઈને, સાસરિયાઓએ 'અગ્નિપરીક્ષા' જેવી પ્રથા અપનાવી હતી.

આરોપ છે કે, પીડિતાને ગરમ ઉકળતા તેલની કડાઈ પાસે લાવીને તેમાં હાથ નાખવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ અમાનવીય કૃત્યથી પણ સંતોષ ન થતાં, પીડિતાના પગ પર ઉકળતું તેલ નાખવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી.

નણંદ, નણદોઇ સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ

વિજાપુર પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને પીડિતાની નણંદ, નણદોઇ સહિત સાસરીપક્ષના કુલ ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંધશ્રદ્ધાના નામે થતા અત્યાચાર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.