Gujarat

વિજિલન્સ ટીમે કૌભાંડ ઝડપી લીધુ, કોર્પોરેશને LIG આવાસમાં ચાલતુ પી.જી.પકડયુ, બે આવાસ સીલ

By GS TEAM
17 Feb 20261 min read
વિજિલન્સ ટીમે કૌભાંડ ઝડપી લીધુ, કોર્પોરેશને LIG આવાસમાં ચાલતુ પી.જી.પકડયુ, બે આવાસ સીલ

અમદાવાદ,મંગળવાર,17 ફેબ્રુ,2026

ગુજરાતમાં સરકારી આવાસનો કેટલો મોટો દુરઉપયોગ કરવામા આવે છે.તેનો એક વરવો કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિજિલન્સ ટીમે કૌભાંડના સ્વરુપમા ઝડપી લેવામા સફળતા મેળવી છે. સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી એલ.આઈ.જી-૧૯ આવાસ યોજનામાં ગેરકાયદે પી.જી.ચલાવાતુ હોવાથી ૩૦૫ અને ૧૦૫ નંબરના આવાસ કોર્પોરેશન દ્વારા સીલ કરાયા છે.જો કે એસ્ટેટ વિભાગે અગાઉ તપાસ કરી હોવાછતાં પી.જી. ચાલતુ હોવા મુદ્દે વિભાગ ઉંઘતુ ઝડપાયુ છે.

કોર્પોરેશનની હાઉસીંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલે કહ્યુ, આ આવાસ યોજનામા ગેરકાયદે પી.જી.ચલાવાતુ હોવાની ફરિયાદ મળતા વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા ઓચિંતાની તપાસ કરવામા આવી હતી.ગેરકાયદે ચલાવાઈ રહેલા પી.જી.મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો છે.જેમા હાઉસીંગના મકાનમા ગેરકાયદે પી.જી.ચલાવવા સોશિયલ મિડીયામા જાહેરાત અપાતી હતી. ઉપરાંત  ચોકકસ સાઈટ ઉપર ઓનલાઈન બુકીંગ પણ કરવામા આવતુ હતુ આમ છતાં કોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ કૌભાંડને પકડવામા સદંતર નિષ્ફળ રહયુ હતુ.

૩૫ બંધ મકાનની હવે તપાસ કરાશે

        ડેપ્યુટી મ્યુનિ.કમિશનર જયેશ ઉપાધ્યાયે કહયુ, એવરેસ્ટ એન્કલેવ તરીકે જાણીતી આ  આવાસ યોજનામાં ૩૩૬ પૈકી ૪૩ મકાનની તપાસ કરાઈ હતી.૩૫ મકાન બંધ હાલતમાં મળ્યા છે.જેની તપાસ હવે કરાશે