આજવારોડ પર મિત્રને વીડિયોકોલ કરી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
સયાજીગંજની હોટલમાં વીજ કંપનીના નિવૃત્ત કર્મચારી અને જવાહરનગરમાં યુવાનનો આપઘાત
વડોદરા, તા.2 આજવારોડ પર કાર શોરૃમના સેલ્સ એક્ઝિક્યુટિવે મિત્રને વીડિયોકોલ પર હું મરી જાઉં છું તેમ કહી પોતાના ઘેર પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના આજવારોડ પર આવેલ લકુલેશનગરમાં રહેતો નીલ અશ્વિન વ્યાસ (ઉ.વ.૩૦) રવિરત્ન કાર શોરૃમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. ગઇરાત્રે તેણે તેના મિત્ર દિપક વણકરને મેસેજ કર્યો હતો કે હું મરી જઉં છું બાદમાં મિત્રને વીડિયોકોલ કરી પોતે આપઘાત કરે છે તેમ પણ કહ્યું હતું. નીલના વીડિયોકોલ બાદ દિપકે તુરંત જ નીલના ભાઇને ફોન કરી ઘેર જવા માટે કહ્યું હતું. જો કે તેનો ભાઇ ઘેર પહોંચે તે પહેલાં જ નીલે પંખા પર રુમાલથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
અન્ય બનાવમાં પંચમહાલ જિલ્લાના કસારડી ગામમાં રહેતા વીજ કંપનીના નિવૃત્ત કર્મચારી વિક્રમસિંહ રતનસિંહ રાઠોડ (ઉ.વ.૭૦) તા.૨૫થી સયાજીગંજ વિસ્તારની અપ્સરા હોટલમાં રહેવા માટે આવ્યા હતાં. તેઓને મળવા પણ કોઇ આવતું ન હતું. દરમિયાન તેમણે હોટલની રૃમમાં પંખા પર ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તેમની પાસેથી પોલીસને એક ચિઠ્ઠી મળી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે જિંદગીથી કંટાળી આ પગલું ભરું છું.
ગળા ફાંસો ખાવાના અન્ય બનાવમાં જવાહરનગર ખાતે રિલાયન્સ ટાઉનશિપમાં રહેતા મૂળ તામિલનાડુના વિજ્ઞોશવરા માઘા સામી (ઉ.વ.૨૭) રિલાયન્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતાં. ગઇ રાત્રે તેઓ એક રૃમમાં અને પત્ની તેમજ પુત્રી બીજી રૃમમાં ઊંઘતા હતા ત્યારે તેમણે ગળા ફાંસો ખાઇ મોત વહાલુ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવાન પાઇલ્સની બીમારીથી પીડાતા હતા અને આ કારણથી જ આપઘાત કર્યો હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે.