અમદાવાદમાં સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ, સ્કૂલના આચાર્યને નોટીસ
વિવેકાનંદનગરની ગુજરાતી શાળા નંબર-1માં નાના બાળકો પાસે સફાઈ કરવામાં આવી હતી
અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓની કિલકારીઓ ફરીથી શરૂ થઈ ગઈ છે. એક મહિના કરતાં વધુ સમયથી સ્કૂલો બંધ હોવાને કારણે સાફ-સફાઈ થઈ ન હતી. ત્યારે સ્કૂલો શરૂ થતા આજે સવારે વિવેકાનંદનગરની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ અંગે કોર્પોરેશનના સત્તાધિશોએ માત્ર એક જ કેસેટ વગાડી હતી કે તપાસ કરીશું. રાજ્ય સરકાર એક તરફ કરોડોના ખર્ચે સ્કૂલોમાં પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરે છે. બીજી બાજુ કરોડોના ખર્ચે સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. આ બાબતે હવે સ્કૂલના આચાર્યને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી છે.
પુસ્તકની જગ્યાએ ઝાડુ પકડાવી દેવામાં આવ્યું
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવેકાનંદનગરની ગુજરાતી શાળા નંબર-1માં નાના બાળકો પાસે સફાઈ કરવામાં આવી હતી. નાના ભૂલકાઓએ સ્કૂલના મેદાનમાં સફાઈ કરી હતી. સ્કૂલ શરૂ થતાં જ વિદ્યાર્થીઓ સવારે સ્કૂલમાં આવ્યાં અને તેમના હાથમાં પુસ્તકની જગ્યાએ ઝાડુ પકડાવી દેવામાં આવ્યું હતું. મેદાનની સફાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ ત્યાં ચટાઈ પાથરીને બેઠા હતાં. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું કરોડોનું બજેટ પાસ થાય છે અને તેમાંથી જ સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવે છે. પરંતુ આટલું બજેટ હોવા છતાં સ્કૂલમાં સફાઈ કરનારા કર્મચારીઓનો અભાવ કેમ છે એવા સવાલો વાલીઓમાં ચર્ચાઈ રહ્યાં છે.
સત્તાધિશોએ તપાસની કેસેટ જ વગાડી હતી
સત્તાધિશો અને અધિકારીઓ પોતાની એરકન્ડીશન ચેમ્બરમાં બેસી રહે છે. જ્યારે શિક્ષકો બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ હાથમાં ઝાડુ પકડાવીને સ્કૂલના મેદાનમાં સફાઈ માટે ધકેલી દે છેઆ અંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ મીડિયાને જણાવ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થીઓ પાસે સ્કૂલમાં સાફ-સફાઈ ના કરાવી શકાય.વિવેકાનંદ નગરની સ્કૂલની ઘટનામાં અમે તપાસ કરીશું. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડ સફાળુ જાગ્યું અને સ્કૂલ બોર્ડના શાસનાધિકારી દ્વારા શાળાના આચાર્ય સામે કારણદર્શન નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. આ સાથે સાથે આચાર્ય પાસેથી આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે. જે બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.