કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ
- ધો.- 10, 12 ના બાળકોની સાઈકલ સાથે ટ્રકમાં જોખમી સવારી
- સી.એન. વિદ્યાલય અને તોરણા કે.સી. ભગત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાવાતા વાલીઓમાં આક્રોશ
કપડવંજમાં શિક્ષણ જગતને શરમાવે તેવી બે ઘટનાઓ સામે આવી છે. બાળકોને ભણાવવાના બદલે તેમની પાસે જોખમી મજૂરી કરાવવામાં આવી રહી છે. સરકારી સહાયની સાયકલો વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવી ટ્રકમાં ભરી કપડવંજથી તોરણા કે.સી. ભગત હાઈસ્કૂલમાં લાવવામાં આવી હતી.
સાઈકલો ભરેલી ટ્રકમાં ૬ જેટલા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોવાનો અને શાળામાં વિદ્યાર્થીઓ પાસે જ સાઈકલો ઉતારવામાં આવી હોવાનો વીડિયો વાયર થયો છે.
કપડવંજમાં સી.એન. કોટન ગોડાઉનમાંથી સી.એન. વિદ્યાલયના ધો.-૧૦ અને ૧૨ના ૭ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવીને ટ્રકમાં સાઈકલો ભરાવવામાં આવી હતી.
નાગરિકો સાઈકલના ગોડાઉને પહોંચ્યા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, શાળાના આચાર્યએ મોકલ્યા છે. લોકોની હાજરી જોઈ શિક્ષકોએ વિદ્યાર્થીઓને કામ કરતા રોકી પોતે કામ કરવા લાગ્યા હતા. બાદમાં શાળાના પ્રિન્સિપાલ કે અન્ય કોઈ શિક્ષક સ્થળ પર આવી વિદ્યાર્થીઓને કારમાં બેસાડીને શાળામાં લઈ ગયા હતા. ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓના કારકિર્દીનું મહત્વનું વર્ષ હોવા છતાં આ પ્રકારે મજૂરી કરાવનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
આ પ્રકારની ઘટના ઉચિત નથી, તપાસ બાદ કાર્યવાહી કરાશે : શિક્ષણાધિકારી
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશ રાવલે જણાવ્યું હતું કે, આ અંગેની માહિતી મળી છે. જેથી આચાર્યને તત્કાલ ટેલિફોનીક સૂચના આપી અને ખુલાસો આપવા માટે જણાવ્યું છે. આ પ્રકારની ઘટના ઉચિત નથી. જેથી આ અંગે જરૂરી તમામ તપાસ કર્યા બાદ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.