પાટડીમાં દુકાન બહાર બિયરના ખાલી ટીનના જથ્થાનો વીડિયો વાઇરલ
- પ્રતિબંધ છતાં બિયરના ખાલી ટીન ક્યાંથી આવ્યા!
- 5 કિલોથી વધુ બિયરના ટીનનો જથ્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર : પાટડીમાં દુકાન બહાર બિયરના ખાલી ટીનના જથ્થાનો વીડિયો વાઇરલ થયો છે. પાંચ કિલોથી વધુ બિયરના ટીનનો જથ્થો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ પ્રતિબંધ છતાં બિયરના ખાલી ટીન ક્યાંથી આવ્યો તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
દસાડા તાલુકાના પાટડી શહેરની બજારમાં આવેલ એક વાસણની દુકાન બહાર પ્રતિબંધીત બીયરના ખાલી ટીનનો જથ્થો પડયો હોવાનો વિડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો જેને ધ્યાને લઈ પાટડી પોલીસ ટીમ દ્વારા તપાસ હાથધરવામાં આવી હતી અને પાટડીની બજારમાં ઘંટી પાસે આવેલ એલ્યુમીનીયમના વાસણનું વેચાણ કરતા દુકાનદારની પુછપરછ અને તપાસ કરતા પ્રતિબંધીત બીયરની ખાલી ટીનનો વજન ૫.૨૦૦ કિલો હોવાનું સામે આવ્યું હતું તેમજ એલ્યુમીનીયમના ભાવ સારા હોવાથી કોઈ દુકાનદારને આપી ગયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે દુકાનદારને ખાલી બીયરના ટીનનો જથ્થો કોણ વેચી ગયું ? ક્યાંથી લાવ્યા હતા ? સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે ત્યારે આ મામલે શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.