વડોદરા શહેરમાં પામોલીન-સરસીયુ તેલ રીફીલ પેક કરીને બજારમાં ધકેલવાના કૌભાંડનો વિડીયો વાયરલ

Vadodara Food Safety : વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાદ્યતેલ સાથે અખાદ્ય તેલનો જથ્થો મિક્સ કરીને વેપારીઓ સહિત ફરસાણવાળાને પધરાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરાઈ રહ્યા છે. જુદી જુદી બ્રાન્ડના જુના તેલના ડબ્બા ભંગારના ભાવે ખરીદીને જુના ડબ્બામાં ખાદ્યતેલ સાથે સોયાબીન અને પામોલીન તેલ મિક્સ કરવાનો વેપલો શહેરના કેટલાક વિસ્તારમાં ચાલી રહ્યો છે. પાલિકા તંત્રના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના છુપા આશીર્વાદ વિના આવી ભેળસેળની પ્રવૃત્તિ શક્ય બને જ નહીં. જોકે આવી પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદે અને સરાસર નિયમ વિરુદ્ધ છે. આમ છતાં તંત્ર દ્વારા આવા વેપારીને માત્ર નોટિસ આપીને તેલના જુના ડબ્બા નાશ કરીને નવા ડબ્બાને સ્ટીકર લગાવી વેચાણ કરવા બાબતે માત્ર નોટીસ ફટકારીને સંતોષ માની સમગ્ર કૌભાંડ પર આશીર્વાદ રૂપી પડદો પાડી દેવામાં આવ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે. ટેન્કરમાં હલકી કક્ષાના તેલ મંગાવીને સ્ટીકરવાળા તેલના જુના ડબ્બામાં ભરી છૂટક 5-10 તેલના ડબ્બા ખરીદનારને આ પ્રકારનું અખાદ્ય તેલ પધરાવી દેવામાં આવતો હોવાનો એકરાર પણ ખુદ વેપારીએ કર્યો હોવાના વાયરલ વિડીયોથી પાલિકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડીયાર નગર વિસ્તારની એક દુકાનમાં ભંગારીયાઓ તેલના સ્ટીકર લગાવેલા તેલના જુના ડબ્બા આપી જાય છે. આ વેપારીને ત્યાં ટેન્કરમાં સોયાબીન તેલ અને પામોલીન તેલ મોટા પ્રમાણમાં છે. ત્યારબાદ વેપારી દ્વારા જુદી જુદી કંપનીના સ્ટીકર લગાવાયેલા જુના તેલના ડબ્બામાં પામોલીન અને સોયાબીન તેલ મિક્સ કરીને 5-10 ડબ્બા ખરીદનાર ફરસાણવાળા તથા કેટલાક નાના દુકાનદારોને પધરાવી દેવાય છે.
આ કૌભાંડ ઝડપાઈ જતા ખુદ તેલના વેપારીએ કબુલાત કરી છે કે બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરવાળા જુના તેલના ડબ્બામાં પામોલીન અને સરસીયુ તેલ રીફીલ પેક કરીને વેચાણ કરીએ છીએ. જોકે આ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ મંજૂરી લેવામાં નહીં આવી હોવાનો પણ ખુલાસો વેપારીએ કર્યો હતો. ઉપરાંત વેપારીએ એમ પણ કબુલાત કરી હતી કે, આવી જ રીતે શહેરના કેટલાય વિસ્તારમાં કેટલાક તેલના વેપારીઓ દ્વારા રિફિલ પેક કરવામાં આવે છે અને જ્યારે ફરસાણવાળા કે પછી નાના તેલના વેપારીઓ તેલના ડબ્બાની માંગણી કરે ત્યારે આમ રિફિલ કરેલ જુના ડબ્બામાં તેલ પધરાવી દેવાની કબુલાત કરતો વિડિયો વાયરલ થયો છે.
જોકે આ બાબતે પાલિકા તંત્રના ફૂડ અને સેફટી વિભાગની ખોરાક શાખા દ્વારા આવા અખાદ્ય તેલનું રિફિલ પેક કરીને માર્કેટમાં ધકેલી દેવા અંગેનું કૌભાંડ ઝડપાયો હોવા છતાં પણ તંત્ર દ્વારા માત્રને માત્ર નોટિસ આપીને જ સંતોષ માનવામાં આવ્યો છે. આમ પાલિકા તંત્રના નેજા હેઠળ આ સમગ્ર કૌભાંડ ચાલતું હોવાની શક્યતા નકારી શકાતી નથી.

