- કપડવંજ એસટી ડેપોની બસ અમદાવાદ જતી હતી
- લોકોના જીવ જોખમમાં મૂકી બેફિકરાઈથી મોબાઈલ વાપરતા ડ્રાઈવરનો મુસાફરે વીડિયો ઉતાર્યો
કપડવંજ એસટી ડેપોની બસ કપડવંજથી અમદાવાદ તરફ જઈ રહી હતી. બસનો ડ્રાઈવર ચાલુ બસે મુસાફરોના જીવ જોખમમાં મુકી અને મોબાઈલ વાપરતો હોય તેવો વીડિયો મુસાફરે જ વાયરલ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બસનો ડ્રાઇવર સ્ટિયરિંગ પર એક હાથ રાખીને બેફિકર થઈને મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. ડ્રાઇવર ફોનમાં મસ્ત હોવાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ડ્રાઇવરની પાછળની સીટ પર બેઠેલા મુસાફરે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 'સલામત સવારી, એસટી અમારી'ના સૂત્ર સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોને સુરક્ષિત મુસાફરી કરાવવાનો દાવો કરે છે પરંતુ, કેટલાક બેજવાબદાર ડ્રાઇવરની લાપરવાહી ગમે ત્યારે કોઈ ગંભીર અકસ્માત નોતરી શકે તેમ છે. વીડિયો વાયરલ થતાં કપડવંજ ડેપોના મેનેજમેન્ટ અને જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી છે. મુસાફરો દ્વારા આ બેજવાબદાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ સમગ્ર મામલે એસ.ટી. વિભાગ દ્વારા ડ્રાઈવર સામે કેવા પગલાં લેવામાં આવે છે તેની પર સૌની નજર છે.


