સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Safety : સુરત પાલિકાના ફુડ વિભાગે દિવાળી પહેલા મીઠાઈના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. જોકે, આ કામગીરી દરમિયાન ઘોડદોડ રોડની એક મીઠાઈની દુકાનમાં મિઠાઈ પર વંદો ફરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આક્ષેપ એવા થઈ રહ્યું છે કે ફૂડ વિભાગે કાર્યવાહી કરવાના બદલે દુકાનદારનું ધ્યાન દોરીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આજની કામગીરી દરમિયાન પાલિકાના ફૂડ વિભાગે જુદા જુદા વિસ્તારમાં મીઠાઈનું વેચાણ કરતી દુકાનો પર દરોડા પાડી સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
સુરતમાં આગામી દિવસમાં દિવાળીનો તહેવાર છે અને દિવાળીમા મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. જોકે, ગ્રાહકોને મળતી આ મીઠાઈ આરોગ્યપ્રદ છે કે નહીં તેની ચકાસણી માટે પાલિકાના ફુડ વિભાગ દ્વારા ટીમ બનાવી જુદા જુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનો પર સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન ઘોડદોડ રોડની એક મીઠાઈની દુકાનમાં આરોગ્ય વિભાગની ટીમ હાજર હતી ત્યારે જ મીઠાઈની ટ્રે પર વંદો ફરતો જોવા મળ્યો હતો. તેની સાથે એવા આક્ષેપ થઈ રહ્યાં છે કે આ ઘટના બાદ પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ પગલાં ભરવાના બદલે વેપારીનું ધ્યાન દોરી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
આજના દરોડા દરમિયાન પાલિકાની ટીમે જુદા જુદા વિસ્તારમાંથી મીઠાઈના સેમ્પલ લઈ ચકાસણી માટે ફુડ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યાં ચકાસણી દરમિયાન નમૂના ફેલ જશે તો પગલાં ભરવામાં આવશે તેવી વાત કરી છે.









