VIDEO : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતનો વીડિયો આવ્યો સામે, 9 લોકોના થયા મોત
મુખ્યમંત્રીએ અકસ્માતની ઘટના પર સંવેદના વ્યક્ત કરી
Image : Screen grab twitter |
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી 20 લોકો ઘાયલ થયા છે. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી જ્યા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફતી પુરપાટ ઝડપે આવતી જગુઆર કારે ત્યા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
અકસ્માત જોઈ રહેલા ટોળાને જેગુઆર કારે કચડી નાખ્યા
અમદાવાદમાં આ ઘટના શહેરની અત્યાર સુધીની સૌથી મોટી અકસ્માતની ઘટના કહી શકાય તેમ છે જેમા એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની વિગત મુજબ ઈસ્કોન બ્રિજ પરથી થાર કાર ડમ્પરની ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો હતો જેના પગલે બ્રિજ પર લોકોના ટોળા એક્ઠા થયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ગંભીર ઘટના ત્યારબાદ બની જ્યારે કર્ણાવતી ક્લબ તરફથી 160થી વધુની સ્પીડે આવતી જેગુઆર કાર અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા 9 લોકોના મોત થયા હતા જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમા ઘટના કેટલી ભયાનક હતી તે દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકાય છે.
CMએ વ્યક્ત કરી સંવેદના
આ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને લખ્યુ હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય કરશે.