અમદાવાદના ભાજપના કાર્યકરની હત્યાના આરોપીના જેલમાં ઉતારેલા વીડિયો વાયરલ

વડોદરા,અમદાવાદમાં ભાજપના કાર્યકરની હત્યા કરવાના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપીના જેલમાં ઉતારવામાં આવેલા વીડિયોની તપાસ દરમિયાન આ વીડિયો સાચા હોવાની માહિતી બહાર આવી છે. વડોદરા જેલના સુપ્રિન્ટેન્ડન્ટના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આ વીડિયો બે વર્ષ પહેલાના નડિયાદ જેલના હોવાની વિગતો બહાર આવી છે.
ત્રણ વર્ષ અગાઉ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભાજપના કાર્યકરની હત્યા કરવાના ગુનામાં પોલીસે મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર નામના આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.તાજેતરમાં મોન્ટુના જેલમાં કસરત કરતા તથા નાહતો હોવાના વીડિયો બહાર આવતા ચકચાર મચી ગઇ હતી. જે અંગે જેલ વડા દ્વારા વડોદરા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડાના સુપરવિઝન હેઠળ સિનિયર જેલરને તપાસ સોંપવામાં આવી હતી. આ અંગે તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, આ વીડિયો બે વર્ષ જૂના છે. તે સમયે મોન્ટુ નડિયાદ જેલમાં બંધ હતો. આ વીડિયો સાચા હોવાનું બહાર આવતા તે સમયના જેલ અધિકારી અને સ્ટાફ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેની તપાસ હજી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને જેલ વડાને મોકલી આપવામાં આવશે.
હાલમાં વડોદરા જેલમાં બંધ મોન્ટુ નામદાર મોબાઇલ ફોનનો છૂટથી ઉપયોગ કરતો હોવાની ચર્ચા પણ થઇ રહી હોઇ આ અંગે વડોદરા જેલ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. મોન્ટુની બેરેકની તપાસ થઇ હતી. પરંતુ, મોબાઇલ ફોન મળી આવ્યો નથી. તેમછતાંય હજી આ પ્રકરણની તપાસ ચાલી રહી હોવાનું જેલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે.
મોન્ટુ અગાઉ પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો
વડોદરા,
મોન્ટુ નામદાર પકડાયા પછી તે એક વખત પોલીસ જાપ્તામાંથી ફરાર પણ થઇ ગયો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડી ફરીથી જેલ હવાલે કર્યો હતો. અગાઉ પણ જામીન પર છૂટયા પછી તે હાજર નહીં થતા ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ મહિનાની દોડધામ પછી તેને ઝડપી લીધો હતો.
વડોદરા જેલમાં મોબાઇલ ફોન વાપરતો હોવાની તપાસ
વડોદરા,
વડોદરા જેલમાં પણ મોન્ટુને અમદાવાદથી ટિફિન સેવા પૂરી પાડવામાં આવતી હોવાની ચર્ચા છે. ત્યારે જેલના કયા અધિકારી અને સ્ટાફની સંડોવણી છે. તેની તપાસ ચાલી રહી છે. ઉચ્ચ અધિકારી દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ મોન્ટુ જે લોકો સાથે સંપર્કમાં હતો. તેની તપાસ થઇ રહી છે.








