Get The App

VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ 1 - image


Makar Sankranti In Salangpur Dham: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે (14મી જાન્યુઆરી) મકરસંક્રાંતિ અને ધનુર્માસ એકાદશીના પવિત્ર અવસરે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજના પર્વને અનુરૂપ પતંગ અને ફિરકીઓના વિશેષ પ્રાકૃતિક શણગાર સાથે દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા.

દાદાના સિંહાસને પતંગ-ફિરકીની થીમનો શણગાર

મકરસંક્રાંતિ નિમિત્તે મંદિરના પૂજારી સ્વામી દ્વારા દાદાને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. દાદાનું સિંહાસન અને સમગ્ર મંદિર સંકુલ રંગબેરંગી શેવન્તીના ફૂલો તેમજ પતંગ અને દોરીની ફિરકીઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 5:45 કલાકે ભક્તિમય વાતાવરણમાં દાદાની મંગળા આરતી ઉતારવામાં આવી હતી.

VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ 2 - image

દાદાને શિયાળુ પાક અને ઉત્તરાયણની ખાસ વાનગીઓ જેવી કે મમરા-તલના લાડુ, વિવિધ ચીકી, કચરિયું અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ 3 - image

દિવ્ય ગૌ-પૂજન: 108 ગાયોની મહાપૂજા

મંદિરની ગૌશાળામાં સવારે 6થી 11 દરમિયાન શાસ્ત્રોક્ત વિધિથી ગૌ-પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.  સંતો અને યજમાનો દ્વારા 108 ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. ગૌમાતાને કેસર જળથી સ્નાન કરાવી, રેશમી વસ્ત્રો પહેરાવી અને ગોળની મીઠાઈઓનો થાળ ધરાવીને પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. આ સાથે ગૌપાલકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

VIDEO: મકરસંક્રાંતિના પર્વે પતંગ-ફિરકીના શણગારથી શોભી ઉઠ્યા કષ્ટભંજનદેવ 4 - image

મંત્ર જાપ અને યજ્ઞની પૂર્ણાહુતિ

વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના ઉમદા હેતુથી ધનુર્માસ દરમિયાન ચાલી રહેલા હનુમાન ચાલીસાના પાઠ અને "ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા" મંત્રના જપ યજ્ઞની આજે બપોરે 11:30 કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ આખા પ્રસંગનો લાભ લેવા માટે સાળંગપુરધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યારે દેશ-વિદેશના હજારો શ્રદ્ધાળુઓએ સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.