Get The App

શ્રમિક અન્નપૂર્ણા યોજના: સસ્તું ભોજન પરંતુ સ્વચ્છતામાં ઉણપ, શ્રમિકોના આરોગ્ય સામે ખતરો

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
શ્રમિક અન્નપૂર્ણા યોજના: સસ્તું ભોજન પરંતુ સ્વચ્છતામાં ઉણપ, શ્રમિકોના આરોગ્ય સામે ખતરો 1 - image


સુરત સહિત સમગ્ર ગુજરાતમાં લાખો શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવા માટે શ્રમિક અન્નપુર્ણા યોજના શરુ કરી છે અને તેનો શ્રમિકો લાભ પણ ઉઠાવી રહ્યાં છે. જોકે, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ યોજના માટે કેબિન મુકવામા આવ્યા છે પરંતુ તેની આસપાસ સફાઈનો અભાવ અને કેબિન પર મુકેલી પીવાના પાણીની ટાંકી ખુલ્લી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ આ હાલત હોવાથી સરકાર યોજના તો સારી છે પણ કાળજી રખાતી ન હોવાથી શ્રમિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે.

મેટ્રો સીટી તરફ આગળ વધી રહેલા સુરતમાં હજારોની સંખ્યામાં બાંધકામ ક્ષેત્ર સાથે અન્ય ક્ષેત્રના શ્રમિકો છે. આવા શ્રમિકોના હિત માટે રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરુ કરી છે. રોજિંદી મહેનત કરતા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સુરતમાં અનેક જગ્યાએ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કર્મયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા માત્ર પાંચ રૂપિયામાં ભોજન પીરસવા માટે કેબીન બનાવવામા આવી છે. આવી કેબિનમાંથી રોજ હજારો શ્રમિકો પાંચ રૂપિયામાં ભોજન લઈ રહ્યા છે પરંતુ તેની આસપાસ ગંદકી હોવાની ફરિયાદ બહાર આવી રહી છે.

શહેરના અનેક વિસ્તારોમાં આવેલા અન્નપૂર્ણા કેબિનની આસપાસ સફાઈનો અભાવ છે, જ્યારે કેટલીક જગ્યાએ કેબીન ઉપર મુકાયેલી પીવાના પાણીની ટાંકી ખુલ્લી હાલતમાં હોવાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પણ કતારગામ વિસ્તારની કેબિન ઉપરની અસ્વચ્છ ટાંકી અને ગંદકી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

શહેરના અનેક વિસ્તારોમાં શ્રમિકોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે પરંતુ સ્વચ્છતા રખાતી ન હોવાથી શ્રમિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. શ્રમિક અન્નપૂર્ણા કેબીનની આસપાસ ગંદકી દૂર કરવા સાથે પાણીની ટાંકી ની સફાઈ કરવા સાથે હવાચુસ્ત બંધ કરવી જોઈએ. પાણીની ટાકી ખુલ્લી હોવાથી ડેન્ગ્યુના મચ્છરની ઉત્પત્તિ પણ થઈ શકે તેમ હોવાથી શ્રમિકોના આરોગ્ય જોખમાઇ શકે તેમ હોવાથી ત્વરિત સુધારા કરવા સાથે આરોગ્યપ્રદ વાતાવરણમાં ખોરાક પીરસવામા આવે તેવી માંગણી શ્રમિકો કરી રહ્યાં છે.

Tags :