જામનગર નજીક હાઇવે રોડ પર ઓટોરિક્ષામાં જોખમી ઓવરલોડ મુસાફરી : સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Jamnagar : જામનગરના રાજકોટ હાઈવે રોડ અને ખંભાળિયા હાઇવે રોડ પર સ્ટંટબાજ બાઈક સવારના અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ ગઈકાલે એક રિક્ષાચાલકનો ઓવરલોડ મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ જોખમી મુસાફરીનો વિડીઓ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જામનગરના પોલીસ તંત્રએ આ બાબતે રીક્ષા ચાલકને શોધીને કડક કાર્યવાહી કરવી જોઈએ.
જામનગરના બાયપાસ રોડ ઉપર કનસુમરા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે 6.00 વાગ્યે એક પેસેન્જર ભરેલી ઓટો રીક્ષા કે જેમાં આગળ અને પાછળની સીટમાં ખીચો ખીચ મુસાફરો ભરેલા હતા, ત્યારબાદ રીક્ષા ચાલકની મુસાફરોના ભાડાની ભૂખ સંતોષાય ન હોય તે રીતે રીક્ષાની ખુલ્લી છત પર પાટીયું લગાવીને તેમાં પણ બે મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા હતા.
આ ઓવરલોડ રીક્ષા ગઈકાલે ગુરુવારે સાંજે 6.00 વાગ્યા આસપાસના સમયે કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ હતી. ઉપરોક્ત હાઇવે રોડ પર અનેક ભારે વાહનોની અવર જવર હોય છે, ત્યારે આવા જોખમી મુસાફરીના રીક્ષા ચાલકના આંટા ફેરા ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે.
બેફામ ગતીએ દોડતા રીક્ષા ચાલકો આ રીતે ઓવરલોડ મુસાફરોને લઈને જોખમી સવારી કરતા હોય છે, તેવા રીક્ષા ચાલકોને પોલીસ તંત્રએ તાત્કાલિક અસરથી શોધી કાઢી તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.