Gujarat

દુષ્કર્મ પીડિતાએ આરોપીના ઘર સામે ઝેરી દવા ગટગટાવી લીધી

By GS TEAM
18 Jul 20252 mins read
દુષ્કર્મ પીડિતાએ આરોપીના ઘર સામે ઝેરી દવા ગટગટાવી લીધી

- ધ્રાંગધ્રા શહેર પોલીસ દુષ્કર્મીને છાવરતા

- યુવતીએ ગૃહમંત્રીને પણ રજૂઆત કરી છતાં કોઇ પગલાં લેવાયા નહીં 

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા એક તરફ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે કડક કાયદાની વાતો કરવામાં આવે છે. બીજી બાજુ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી યુવતીએ ૨૫ દિવસ પહેલા ખોજા ખાના પાછળ રહેતા જયરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા સામે સીટી પોલીસ મથકે દુષ્કર્મ આચર્યાની અરજી કરી હોવા છતાં આરોપી સામે ગુનો નહીં નોંધતા પીડિતાએ આરોપીના ઘર સામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીની ગંભીર હાલતમાં પ્રથમ ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખેસડવામાં આવી છે.

મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ધ્રાંગધ્રામાં પોલીસનું બિહામણું સ્વરૂપ સામે આવ્યું છે. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધ્રાંગધ્રામા ખોજા ખાના પાછળ રહેતા શખ્સ જયરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલાએ વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જયરાજસિંહે યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સબંધ બાંધ્યો હતો. થોડા દિવસ અગાઉ જયરાજસિંહ અને તેના અમદાવાદ ખાતે રહેતા સગા ઉર્વેશ તેમજ અન્ય સગા-સબંધીનો દિકરો સહિત ભોગ બનનાર યુવતી સાપુતારા ફરવા ગયા હતા.

જ્યાં જયરાજસિંહે યુવતિ સાથે શરીર સબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ બંને સગા સાથે બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધવાનું યુવતીને જણાવતા યુવતિએ ઈન્કાર કર્યો હતો.  જેથી જયરાસિંહે તેની સાથે લગ્ન કરવાની ના પાડી ફોટા અને મેસેજ વાયરલ કરવાની ધમકી હતી. જે મામલે યુવતીએ ધ્રાગધ્રા શહેર પોલીસ મથકે ૨૫ દિવસ અગાઉ લેખિત અરજી કરી હોવા છતાં પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી નહીં કરી ગુનો નહીં નોંધતા ગૃહમંત્રીને લેખીત રજૂઆત કરી હતી.

આ મામલે યુવતીએ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું છતાં મારી ફરિયાદ લેતા નથી. મને કંઈ થશે એની જવાબદારી મને ધક્કા ખવડાવનાર તંત્રના જવાબદાર અધિકારીઓની રહેશે. ત્યારે આજે યુવતીએ આરોપી યુવકના ઘર પાસે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે આસપાસના લોકો એકઠા થઇ જતાં સ્થાનિકોએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને યુવતીને ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી. જ્યાં તેની હાલતમાં કોઇ સુધારો નહીં આવતા મોડી સાંજે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવી છે.