Get The App

વિબગ્યોર સ્કૂલ વાલીઓ પાસે ફી લેવામાં મનમાની કરી રહી છે

Updated: Jun 19th, 2021

GS TEAM


Google News
Google News
વિબગ્યોર સ્કૂલ વાલીઓ પાસે ફી લેવામાં મનમાની કરી રહી છે 1 - image

વડોદરાઃ વડોદરા-પાદરા રોડ પર ભાયલી રેલવે સ્ટેશન પાસેની વિબગ્યોર સ્કૂલના સંચાલકો દ્વારા એફઆરસી(ફી રેગ્યુલેશન કમિટી)એ મંજૂર કરેલી ફીની જગ્યાએ મનમાની રીતે ફી લેવામાં આવી રહી હોવાની રજૂઆત સ્કૂલના વાલીઓ તેમજ ફેડરેશન ઓફ પેરેન્ટસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આજે ડીઈઓ સમક્ષ કરવામાં આવી હતી.

વાલીઓ આજે ડીઈઓને મળ્યા હતા અને તેમનુ કહેવુ હતુ કે, એફઆરસી દ્વારા જે ફી નક્કી કરાઈ છે તેનો અમલ સ્કૂલમાં કરવામાં આવતો નથી.ઉપરાંત ગયા વર્ષે સરકારે કોરોનાના કારણે ટયુશન ફીમાં ૨૫ ટકા ઘટાડો કરવાનો જે આદેશ આપ્યો હતો તેનો પણ સરકારે અમલ કર્યો નથી.

વાલીઓનુ કહેવુ હતુ કે, નવા શૈક્ષણિક વર્ષમાં એટલે કે ૨૦૨૧-૨૨ના વર્ષમાં પણ હજી એફઆરસી દ્વારા ફી મંજૂર કરવામાં આવી નથી પણ સ્કૂલ દ્વારા સતત ફી માટે ઉઘરાણી કરવામાં આવી રહી છે.ફી ના ભરાઈ હોય તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં ભેદભાવ કરાય છે.તેમને હોમવર્ક નથી અપાઈ રહ્યુ અને તેમને વિદ્યાર્થીઓના વોટસએપ ગૂ્રપમાંથી પણ રિમૂવ કરી દેવામાં આવે છે.વિદ્યાર્થીઓની રોજ માનસિક હેરાનગતિ થઈ રહી છે.વાલીઓ એફઆરસી પ્રમાણે ફી ભરવા માટે તૈયાર છે પણ સ્કૂલ આ રીતે ફી લેવા તૈયાર નથી.

વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, આજે વાલીઓ સાથે બેઠક માટે ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલના આચાર્યને પણ બોલાવવામાં આવ્યા હતા.આમ છતા આચાર્ય આજે બેઠક માટે આવ્યા નહોતા.આ બાબતે સરકારના શિક્ષણ વિભાગ સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતા કોઈ કાર્યવાહી થઈ રહી નથી.

Tags :